વાહનોનો થર્ડ પાર્ટી વીમો ઉતરાવવો પડશે મોંઘો, ઈરડાનો પ્રસ્તાવ…

નવી દિલ્હી- વીમા ક્ષેત્રના નિયમનકાર ઈરડા (IRDAI)ચાલુ નાણાકીય વર્ષ માટે કાર અને ટુવ્હીલર વાહનોના થર્ડ પાર્ટી (TP) વીમા પ્રીમિયમમાં મોટા પ્રમાણમાં વધારો કરવાનો પ્રસ્તાવ કર્યો છે. ઈરડાના પ્રસ્તાવ મુજબ 1000 સીસી (Cubic Centimeter ) થી ઓછી ક્ષમતા ધરાવતી કારનું થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ વર્તમાનમાં 1850 રૂપિયાથી વધારીને 2120 રૂપિયા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. એ જ રીતે 1000 સીસી અને 1500 સીસી વચ્ચેની કારનું વીમા પ્રીમિયમ વર્તમાનમાં 2863 રૂપિયાથી વધારીને 3300 રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે, 1500 સીસી એન્જિનથી વધુની ક્ષમતા ધરાવતી લક્ઝરી કારના થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં કોઈ પણ પ્રકારના ફેરફારનો પ્રસ્તાવ નથી, તેમાં વર્તમન પ્રીમિયમ દર 7890 રૂપિયા જ રાખવામાં આવશે.

નવા દરોનો પ્રસ્તાવ: સામાન્ય રીતે 1લી એપ્રિલથી જ થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ દરમાં સુધારાની જાહેરાત કરી દેવામાં આવે છે, પરંતુ આ વખતે કંપનીએ આગમી આદેશ જાહેર ન થાય ત્યાં સુધી જૂના દરો મુજબ જ પ્રીમિયમ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે ઈરડાએ થર્ડ પાર્ટી પ્રીમિયમ મામલે નવા દરોનો પ્રસ્તાવ કર્યો છે. ઈરડાએ નવા સુધારેલા દરો પર તેમના સંબંધી પક્ષો પાસેથી 29 મે સુધીમાં સુચનો અને ટિપ્પણિઓ મંગાવી છે. નવા ડ્રાફ્ટ મુજબ 75 સીસીથી ઓછી ક્ષમતા ધરાવતા ટુવ્હીલર વાહનો માટે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ 427 રૂપિયાથી વધારીને 482 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. આ સાથે જ 75 સીસીથી લઈને 350 સીસી સુધીના ટુવ્હીલર વાહનોના વીમા પ્રીમિયમમાં પણ વૃદ્ધિનો પ્રસ્તાવ છે, પરંતુ 350 સીસીથી વધુના સુપરબાઈક મામલે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો.

આ ઉપરાંત નવી કાર મામલે એક સાથે જ 3 વર્ષનું વીમા પ્રીમિયમ દર અને નવા ટુવ્હીલર વાહનો માટે એક સાથે જ 5 વર્ષ માટે પ્રીમિયમ દરનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. વીમા નિયમનકાર ઈરડાએ ખાનગી ઉપયોગની ઈલેક્ટ્રિક કાર અને ઈલેક્ટ્રિક ટુવ્હીલર વાહનો મામલે થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમમાં 15 ટકાની રાહતનો પ્રસ્તાવ મુક્યો છે. ટેક્સી, બસ, અને ટ્રક મામલે પણ દરો વધારવાનો પ્રસ્તાવ છે. આ સાથે જ ટ્રેક્ટરનું થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ પણ વધી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]