નવા વરસમાં બદલાઈ જશે આ નિયમો: નહીં જાણો તો પડશે મુશ્કેલી

નવી દિલ્હીઃ નવા વરસને આવકારવા લોકો આતુર છે અને તેના સેલિબ્રેશનની તૈયારીમાં લાગી ગયા છે. આ તૈયારીઓ વચ્ચે કેટલીક વસ્તુઓ વિશે જાણવું તમારા માટે જરૂરી છે. 2020માં ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમને આ નિયમો વિશે જાણકારી નહીં હોય તો તમને મુશ્કેલી પડી શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ નવા વર્ષમાં જે નિયમો બદલાવા જઈ રહ્યા છે તેના અંગે….

પેન આધાર લિંક

પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. જો તમે આ કામ ના કર્યું તો તમારું પેન કાર્ડ ઈન-ઓપરેટિવ (નિષ્ક્રિય) થઈ જશે. ત્યારબાદ તમે કોઈ નાણાંકીય લેવડ દેવડ નહીં કરી શકો. પહેલા આ ડેડલાઈન 30 ડિસેમ્બર હતી. પેન કાર્ડ વિના હવે તમે ઈનકમ ટેક્સ રિટર્ન પણ ફાઈલ નહી કરી શકો.

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ

નાણાંકીય વર્ષ 2018-19 માટે તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું બાકી રહી ગયું હોય તો તમે 31 માર્ચ 2020 સુધી ફાઈલ કરી શકો છો. પરંતુ 31 ડિસેમ્બર સુધી ફાઈલ કરી દેશો તો લેટ ફી ઓછી લાગશે. 31 ઓગસ્ટથી 31 ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ કરવામાં પાંચ હજાર રૂપિયાની પેનલ્ટી લાગે છે. 1 જાન્યુઆરી 2020થી પેનલ્ટીની રકમ વધીને દસ હજાર રુપિયા  થઈ જશે. જોકે, જેમની આવક 5 લાખથી ઓછી હશે તેમણે માત્ર 1000નો જ દંડ ભરવો પડશે.

સ્ટેટ બેંક મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ

સ્ટેટ બેંકના જૂના મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડ બદલવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી છે. 1 જાન્યુઆરી 2020થી આ કાર્ડ કામ નહિ કરે અને તમે મુશ્કેલીમાં પડી શકો છો. SBI પોતાના ગ્રાહકોને સતત કહી રહી છે કે તે પોતાનું જૂનું કાર્ડ રિપ્લેસ કરાવીને નવું ઈએમવી ચિપ વાળું કાર્ડ લઈ લે. કાર્ડનું રિપ્લેસમેન્ટ હજુ પણ ફ્રી ઑફ કોસ્ટ છે.

GST રજિસ્ટ્રેશન

GST રજિસ્ટ્રેશનને સરળ બનાવવા માટે આધારના માધ્યમથી GST રજિસ્ટ્રેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. એન્યુઅલ રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા 2 મહિના વધારીને 30 ઓગસ્ટ 2019 કરી દેવામાં આવી છે. નવી GST રિટર્ન ફાઈલિંગ સિસ્ટમ 1 જાન્યુઆરી 2020થી લાગુ પડશે.

NEFT ટ્રાન્ઝેક્શન પર નહિ લાગે ચાર્જ

નવા વર્ષમાં ગ્રાહકોને બેંક તરફથી નવી ભેટ મળશે. 1 જાન્યુઆરી 2020થી ગ્રાહકને બેંકોથી NEFT દ્વારા કરાતી લેવડ દેવડ પર કોઈ ચાર્જ નહિ આપવો પડે. નોટબંધીની ત્રીજી વરસગાંઠ પર ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંકે આ પ્રસ્તાવ મૂક્યો હતો. 16 ડિસેમ્બરથી 24 કલાક નેફ્ટ ટ્રાન્ઝેક્શન ચાલુ કરવામાં આવ્યા હતા.

સબકા વિશ્વાસ યોજના

સર્વિસ ટેક્સ અને અને એક્સાઈઝ ડ્યુટી સાથે જોડાયેલા જૂના પેન્ડિંગ વિવાદો માટે રજૂ કરાયેલી સબકા વિશ્વાસ યોજના 31 ડિસેમ્બર 2019ના રોજ ખતમ થઈ રહી છે. તેને આગળ લંબાવવાની શક્યતા નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે સર્વિસ ટેક્સ અને એક્સાઈઝ ડ્યુટી સાથે જોડાયેલા જૂના વિવાદોના સમાધાન માટે ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં તેની ઘોષણા કરી હતી. આ યોજનાને સબકા વિશ્વાસ યોજના 2019 નામ આપવામાં આવ્યું હતું. 1 સપ્ટેમ્બર 2019થી લાગુ પડેલી આ યોજના અંતર્ગત જૂના મામલામાં વ્યક્તિ પોતાને કેટલી રકમ ચૂકવવાની બાકી છે તે જાહેર કરી માંડવાળ કરી શકે છે.