આવકવેરાનું રીટર્ન નહી ભરનાર કંપનીઓ સામે કેસ નોંધાશે

નવી દિલ્હી– કંપનીઓ માટે હવે ઈન્ટકમ ટેક્સ રીટર્ન ફાઈલિંગ નહી કરે તો તેને મોંઘુ પડી શકે છે. હવે જે કંપનીઓ આવકવેરાનું રીટર્ન ફાઈલ નહીં કરે તેની વિરુદ્ધ કેસ નોંધાશે. ફાઈનાન્સ બિલ 2018-19માં કંપનીઓના ઈન્કમ ટેક્સ રીટર્ન ફાઈલિંગના નિયમમાં સંશોધનની દરખાસ્ત કરી છે. આ નિયમ પહેલી એપ્રિલ 2018થી લાગુ થશે.કેન્દ્ર સરકારે દેશમાં મોટાપાયા પર શેલ કંપનીઓને ધ્યાનમાં રાખીને આ નિયમમાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે. શેલ કંપનીઓ એવી કંપની છે કે જેનો ઉપયોગ માત્ર કાળા નાણાને સફેદ બનાવવા માટે થાય છે.

કેન્દ્ર સરકારે કરેલી તપાસમાં એ વાત સામે આવી છે કે દેશમાં ખુબ મોટી સંખ્યામાં શેલ કંપનીઓ છે, જેમાંથી 99 ટકા કંપનીઓ રિટર્ન ફાઈલ કરતી નથી. અને તેના પર કોઈ કેસ કરાતો નથી. પણ હવે બજેટ રજૂ થયા પછી કંપનીઓએ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવું જ પડશે, તેને ટેક્સ ભરવાનો આવે કે ન આવે. જો તેઓ રિટર્ન ફાઈલ નહી કરે તો તેમની સામે કેસ નોંધાશે.

કેન્દ્ર સરકારે બ્લેકમની સામેના પડકારને પહોંચી વળવા શેલ કંપનીઓની વિરુધ્ધ સતત એક્શન લઈ રહી છે. હાલમાં કેન્દ્ર સરકારના નિયમોનું પાલન નહી કરનાર 1.20 લાખ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ અગાઉ 2.26 લાખ કંપનીઓનું રજિસ્ટ્રેશન પહેલા જ કેન્સલ કરી દેવાયું હતું. અને આવી કંપનીઓ સાથે જોડાયેલ લગભગ 3.09 લાખ ડીરેક્ટર્સને ડિસક્વોલિફાઈ કરવામાં આવ્યા હતા.