સારા વરસાદની આગાહીથી શેરબજારમાં સતત નવમાં દિવસે તેજી

અમદાવાદ– શેરબજારમાં સતત નવમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. સપ્ટેમ્બર-2014 પછી શેરબજારમાં સતત નવમી ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફટી સતત પ્લસ બંધ રહ્યા છે. એશિયાઈ સ્ટોક માર્કેટના નેગેટિવ રીપોર્ટ પાછળ શરૂઆતમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને માર્કેટ ઘટ્યું હતું, જો કે એફએમસીજી અન રિયલ્ટી તથા મેટલ સેકટરના શેરોની રાહબરી હેઠળ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી આવી હતી, અને માર્કેટ ઝડપી બાઉન્સ થયું હતું, અને સતત નવમાં દિવસે પ્લસ બંધ રહેવામાં સફળ થયું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 89.63(0.26 ટકા) વધી 34,395.06 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 20.35(0.19 ટકા) વધી 10,548.70 બંધ થયો હતો.ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતમાં સાઉથ વેસ્ટ મોનસૂન સામાન્ય રહેવાની સાથે 97 ટકા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ભારત સતત ત્રીજા વર્ષે ચોમાસું સફળ અને શ્રેષ્ઠ રહેવાની આગાહી થઈ છે અને અલનીનોનો કોઈ ભય નથી. અલનીનો ન્યૂટ્રલ છે. આ સમાચારની ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર થઈ હતી. આથી જ કેટલીક એફઆઈઆઈ અને તેજીવાળા ખેલાડીઓએ નવેસરથી લેવાલી કાઢી હતી. અને માર્કેટ પ્લસમાં બંધ રહ્યું હતું.

  • સોમવારે એફઆઈઆઈએ રૂપિયા 308 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 29 કરોડનું વેચાણ કર્યું હતું.
  • અમેરિકા અને સીરિયા વચ્ચે તંગદિલી ઘટી છે, જેથી સોમવાર મોડીરાતે ડાઉ જોન્સ 213 પોઈન્ટ વધી 24,573 બંધ રહ્યો હતો, અને નેસ્ડેક 50 પોઈન્ટ વધી 7,156 બંધ થયો હતો.
  • એમ એન્ડ એમમાં જાણકાર વર્તુળોની ભારે લેવાલીથી શેરનો ભાવ રૂપિયા 819ની ઉપર નીકળી ગયો હતો, જેને પરિણામે એમ એન્ડ એમ 1 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપવાળી કંપની બની ગઈ હતી.
  • ડૉલર સામે રૂપિયો 65.60 છ મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો.
  • સ્ટીલ સ્ટ્રીપ્સને યુરોપની કંપનીનો 41,000 કારવેન વ્હીલ્સનો ઓર્ડર મળ્યો છે, જેથી નવી લેવાલી શેરનો ભાવ 52 વીકની હાઈ પર પહોંચી ગયો હતો.
  • અશોક બિલ્ડકોનને રૂપિયા 757 કરોડનો ઓર્ડર મળ્યો છે, જે સમાચારથી શેરમાં નવી લેવાલી આવી હતી.
  • બજાજ ઈલેક્ટ્રિકલ્સને મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમનો રૂપિયા 3,578 કરોડનો ઓર્ડર મળ્યો છે, જે સમાચાર પાછળ બજાજ ઈલે.માં 8 ટકાની તેજી થઈ હતી.
  • આજે તેજી બજારમાં પણ ઓટો, કેપિટલ ગુડ્ઝ, હેલ્થકેર, ફાર્મા, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના પસંદગીના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 46.10 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 49.74 પ્લસ બંધ હતો.