બજેટમાં IT છૂટને રૂ. 10 લાખ કરવા માગ

 નવી દિલ્હીઃ આરએસએસથી સંકળાયેલા ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘે (BMSએ) નાણાપ્રધાન નિર્મલા સીતારામનની સાથે બજેટ પૂર્વેની ચર્ચામાં ટ્રેડ યુનિયને બેરોજગારીને દૂર કરવા ગ્રામીણ યોજનાને આધારે શહેરી મનરેગા શરૂ કરવાની માગ સાથે ઇન્કમ ટેક્સમાં છૂટમર્યાદાને રૂ. 10 લાખ કરવા માટે અરજ કરી છે. યુનિયને મોદી સરકાર પાસે આયુષ્માન ભારત, અટલ પેન્શન યોજના અને પીએમ કિસાન સમ્માન નિધિ જેવી વિવિધ સરકારી યોજનાઓને એક કાનૂની સ્વરૂપ આપવાનો આગ્રહ કર્યો છે. સંગઠન ઇચ્છે છે કે તેમની બધી માગોને વર્ષ 2021ના બજેટમાં સામેલ કરવામાં આવે.

BMSના રાષ્ટ્રીય મહા સચિવ ગિરિજેશ ઉપાધ્યાયે કહ્યું હતું કે આ મહત્ત્વની સરકારી યોજનાઓ છે, એ માટે કોઈ કાનૂની કાયદેસરતા નથી અને એ વહીવટી તંત્રની દયા પર નિર્ભર છે. અમારી માગ છે કે સરકાર આ યોજનાઓને સતત જારી રાખવાની વ્યવસ્થા કરવા માટે એક કાયદો બદલવો જોઈએ. BMSના એક અન્ય પદાધિકારીએ કહ્યું હતું કે સરકારે સામાજિક સુરક્ષાના ભાગરૂપે યોજનાઓને કાયદેસર બનાવવી જોઈએ. સરકારની ફ્લેગશિપ યોજનાઓને કાનૂની દરજ્જો આપવામાં મુશ્કેલી શું છે?

BMSએ આગામી બજેટમાં એક રોગચાળાનું બેરોજગારી ભથ્થું, પીએસયુમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પર વિચારવિમર્શ અને અસંગઠિત ક્ષેત્ર માટે સામાજિક સુરક્ષા યોજનાઓ પર બજેટ પરની ફાળવણીની પણ માગ કરી છે. યુનિયને માગ કરી છે કે કોવિડ-19 સંકટને લીધે શહેરોમાં પ્રવાસી મજદૂરોને ભારે મુસીબતો વેઠવી પડી હતી.  નાણાપ્રધાન બજેટમાં પ્રવાસીઓ અને અન્ય એવા કર્મંચારીઓ માટે શહેરી મનરેગાની ઘોષણા કરે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે નોકરીઓમાં નોટિસ અને આર્થિક લાભ આપ્યા વિના બરતરફ કરવામાં ઘણી સ્પષ્ટતા નથી. સરકારે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરીઓને નિયમિત બનાવવા નક્કર પગલાં લેવાં જોઈએ.