BSE સેન્સેક્સ 284 પોઈન્ટ તૂટી ત્રણ મહિનાની નીચી સપાટીએ

અમદાવાદ– શેરબજારમાં બીજા દિવસે નરમાઈ આગળ વધી હતી. બેંક શેરોની રાહબરી હેઠળ તમામ શેરોમાં જોરદાર વેચવાલી ચાલુ રહી હતી. પીએનબી કૌભાંડ મામલે આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચર અને એક્સિસ બેંકના હેડ શિખા શર્માને સમન્સ જાહેર કર્યા છે, જે સમાચાર પાછળ બીજા દિવસે પણ શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 284.11(0.85 ટકા) ગગડી 33,033.09 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 95.05(0.93 ટકા) તૂટી 10,154.20 બંધ થયો હતો.સેન્સેક્સ ગબડીને ત્રણ મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. એશિયાઈ સ્ટોક માર્કેટના નેગેટિવ અહેવાલો પાછળ ભારતીય શેરોના ભાવ નીચા ખુલ્યા હતા, ગઈકાલની વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો. જાણકારોના મતે માર્કેટનો ટ્રેન્ડ બદલાયો છે. દરેક ઉછાળે વેચવાલી ચાલુ રહે છે. તેજીના કારણો ડિસ્કાઉન્ટ થઈ રહ્યા છે. તેજીવાળા ખેલાડીઓએ દરેક મથાળે વેચવા આવે છે, નફો બુક કરી રહ્યા છે. એફઆઈઆઈ નેટ સેલર છે, તે સાથે મંદીવાળા ઓપરેટરો પણ વેચવાલ થયા છે, આથી માર્કેટ સતત ઘટી રહ્યું છે.

  • ઓટો કમ્પોનેન્ટ મેકર સંધાર ટેકનોલોજીને સેબીમાંથી આઈપીઓ લાવવા માટે મંજૂરી મળી ગઈ છે.
  • મંગળવારે એફઆઈઆઈએ રૂપિયા 620 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 734 કરોડના શેર વેચ્યા હતા.
  • આજે નરમ બજારમાં પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ અને એફએમસીજી સેકટરના શેરોમાં ટેકારુપી લેવાલીથી મજબૂતી હતી.
  • બેંક, કેપિટલ ગુડ્ઝ, ફાર્મા, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ અને નિફટીમાં ગાબડા પડ્યા હતા.
  • રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 213.44નું ગાબડું પડ્યું હતું.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 381.83 તૂટ્યો હતો.