‘મી ટૂ’ અંતર્ગત આરોપોને પગલે ટાટા ગ્રુપે બ્રાન્ડ કન્સલ્ટન્ટ સુહેલ સેઠ સાથેનો કોન્ટ્રાક્ટ રદ કર્યો

મુંબઈ – ટાટા ગ્રુપે આજે જાહેરાત કરી છે કે લેખક અને સોશ્યલાઈટ સુહેલ સેઠ વિરુદ્ધ જાતીય સતામણીના કરાયેલા આરોપને પગલે સેઠ સાથેના કોન્ટ્રાક્ટનો અંત લાવી દીધો છે.

સેઠ ટાટા ગ્રુપની પબ્લિક રિલેશન્સ ટીમના સલાહકાર છે.

મોડેલ ડિએન્ડ્રા સોઆરેસ અને લેખિકા ઈરા ત્રિવેદી સહિત છ મહિલાઓએ સેઠે એમની જાતીય સતામણી કરી હોવાનો આરોપ મૂક્યો છે.

ટાટા સન્સ સાથેનો સેઠનો કોન્ટ્રાક્ટ 30 નવેંબરે પૂરો થવાનો હતો.

ટાટા સન્સ કંપની ટાટા ગ્રુપની કંપનીઓનું સંચાલન કરતી મુખ્ય પ્રમોટર છે.

ટાટા ગ્રુપે સુહેલ સેઠની માલિકીની બ્રાન્ડ કન્સલ્ટન્સી કંપની કાઉન્સલએજ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો.

સુહેલ સેઠ વિરુદ્ધ MeToo ઝુંબેશ અંતર્ગત જાતીય સતામણીના આરોપ થવા માંડતા ટાટા ગ્રુપના પ્રવક્તાએ કહ્યું છે કે મહિલાઓ માટે કાર્યસ્થળ સુરક્ષિત બની રહે એ માટે ટાટા ગ્રુપ પ્રતિબદ્ધ છે. મિડિયામાં સેઠ વિરુદ્ધ તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલોની અમે નોંધ લીધી છે. અમે આ બાબતમાં ધ્યાન આપી રહ્યા છીએ અને આ સંદર્ભમાં આગળનું પગલું ભરવા માટેનો નિર્ણય લઈશું.

ડિએન્ડ્રા સોઆરીસે એક સોશિયલ મિડિયા પોસ્ટમાં લખ્યું હતું કે એમની સાથે એક પાર્ટીમાં સેઠે ગેરવર્તન કર્યું હતું. હું કાઉચ પર ડાન્સ કરી રહી હતી ત્યાં અચાનક આવીને સુહેલ સેઠે એમની ગંદી જીભ જબરદસ્તીથી મારા મોઢામાં નાખી દીધી હતી. મેં તરત જ મારી પૂરી તાકાતથી એમની જીભ પર બટકું ભરી દીધું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]