સ્વિસ બેન્કના અહેવાલથી ખળભળાટ, સુબ્રમણ્યમ સ્વામીનો અઢીયા પર પ્રહાર

નવી દિલ્હી- હાલમાં જ સ્વિસ બેન્કના સામે આવેલા અહેવાલ બાદ ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ સ્વિસ બેન્કમાં જમા ભારતીયોના રુપિયા ચાર વર્ષમાં પ્રથમ વખત એક અબજ સ્વિસ ફ્રેન્ક એટલે કે આશરે સાત હજાર કરોડ રુપિયા થવા જાય છે. જે ગત વર્ષની સરખામણીએ 50 ટકા વધુ છે.આ આંકડાઓ જાહેર થયા બાદ વિરોધ પક્ષની સાથે સાથે સરકારના સાંસદો પણ રિપોર્ટનો વિરોધ કરી રહ્યાં છે. આ યાદીમાં સૌ પ્રથમ નામ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનું છે. સ્વિસ બેન્કમાં જમા ભારતીયોના રુપિયા અંગે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું કે, ‘ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે સમજૂતી કરવામાં આવી છે. જે મુજબ જાન્યુઆરી-2018થી લઈને માર્ચ-2018 સુધીનો ડેટા જારી કરવામાં આવશે. જેથી અત્યારથી જ સ્વિસ બેન્કમાં જમા કરવામાં આવેલા નાણાને ગેરકાયદે માની લેવાનું અતિશયોક્તિ ગણાશે’.

સ્વિસ બેન્કનો અહેવાલ સામે આવ્યા બાદ ભાજપના સાંસદ અને વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કાળા નાણાને લઈને નાણાં મંત્રાલય સામે જ પ્રશ્નો ઉઠાવ્યા છે. સ્વામીએ ટ્વીટ કરી લખ્યું કે, ‘નાણાં સચિવ અઢિયા માટે એક મોટી સફળતા, એક તરફ સમગ્ર વિશ્વના લોકોની સ્વિસ બેન્કમાં ડિપોઝિટ 3 ટકા વધી છે જેની સામે ભારતીયો દ્વારા જમા કરવામાં આવેલી રકમ 50 ટકા વધી ગઈ છે. અઢીયા આનાથી પણ વધુ મેનેજ કરી શક્યા હોત જો ઈડી અધિકારી રાજેશ્વર વચ્ચે ન આવ્યાં હોત’.