અનિલ અંબાણી સાથે જોડાયેલી ખોટી જાણકારી કોર્ટની વેબસાઈટ પર મૂકી, કર્મચારીની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટના બે અધિકારીઓની કોર્ટની વેબસાઈટ પર કથિત રીતે આદેશ પોસ્ટ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. હકીકતમાં અનિલ અંબાણી અને એરિક્સન વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન જસ્ટિસ આરએફ નરિમન અને જસ્ટિસ વિનીત સરનના આદેશમાં અંબાણીને સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. તો કર્મચારીઓએ આની જગ્યાએ વેબસાઈટ પર આદેશ અપલોડ કર્યો હતો કે અંબાણીને અહીંયા ઉપસ્થિત રહેવા નહોતું કહેવામાં આવ્યું.

ધરપકડ કરાયેલા લોકોની ઓળખ કોર્ટ માસ્ટર માનવ શર્મા અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તપન કુમાર ચક્રવર્તી તરીકે થઈ છે. આ ખોટા આદેશને પોસ્ટ કરવાની ફરિયાદ મળ્યા બાદ બંન્ને કર્મચારીઓને સીજેઆઈ રંજન ગોગોઈએ પહેલાજ બર્ખાસ્ત કરી દિધા. સુપ્રીમ કોર્ટના પ્રશાસનિક વિભાગ પાસેથી ફરિયાદ મળ્યા બાદ એક વરીષ્ઠ અધિકારીએ આ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન અમને આરોપીઓ વિરુદ્ધ સબૂત મળ્યા અને તેમણે તપાસમાં પણ સંતોષકારક જવાબ ન આપ્યા.

સ્વીડનની ટેલિકોમ કંપની એરિક્સન રિલાયન્સ કમ્યૂનિકેશન દ્વારા 550 કરોડ રુપિયાની ચૂકવણીને લઈને સુપ્રિમ કોર્ટમાં પહોંચી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ નરીમન અને જસ્ટિસ વિનીત સરને પોતાના આદેશમાં અનિલ અંબાણીને કાર્યવાહી દરમિયાન કોર્ટમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. પરંતુ 7 જાન્યુઆરીના રોજ કોર્ટની વેબસાઈટ પર અપલોડ આદેશમાં પર્સનલ રીતે ઉપસ્થિત રહેવાથી છૂટની વાત કહેવામાં આવી હતી. 10 જાન્યુઆરીના રોજ એરિક્શન દ્વારા આ ગડબડી પર ધ્યાન આપવામાં આવ્યું અને ત્યારબાદ આ યોગ્ય આદેશને અપલોડ કરવામાં આવ્યો. ત્યારબાદ અનિલ અંબાણી 12 અને 13 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં રજૂ થયા.