૪૮ વધુ ટ્રેનોને ‘સુપરફાસ્ટ’ બનાવી; રેલવે તંત્ર રૂ. ૭૦ કરોડ કમાશે

નવી દિલ્હી – નાણાંભીડ અનુભવતી ભારતીય રેલવેએ ૪૮ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને ‘સુપરફાસ્ટ’ તરીકે અપગ્રેડ કરીને તેનું ભાડું વધાર્યું છે. તે ઉપરાંત આ ટ્રેનોની સ્પીડ, જે પ્રતિ કલાક પાંચ કિલોમીટરની હતી, તે વધારીને ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની કરી છે. ગઈ ૧ નવેમ્બરે બહાર પાડવામાં આવેલા નવા ટાઈમટેબલ પરથી આ જાણકારી મળી છે.

જોકે આ તમામ ૪૮ ટ્રેનો સમયસર દોડશે એની કોઈ ખાતરી નથી, કારણ કે આજકાલ રાજધાની, દુરન્તો અને શતાબ્દી જેવી પ્રીમિયર ટ્રેનો પણ મોડી દોડતી હોય છે.

સુપરફાસ્ટ લેવલે કન્વર્ટ કરાયેલી આ ટ્રેનોમાં પ્રવાસીઓને કોઈ વધારાની સુવિધાઓ આપવામાં આવી નથી. પરંતુ પ્રવાસીઓએ સફર માટે વધારે પૈસા ચૂકવવા પડશે. જેમ કે, સ્લીપર માટે વધુ રૂ. ૩૦, સેકન્ડ અને થર્ડ એસી સીટ માટે રૂ. ૪૫ અને ફર્સ્ટ એસી માટે રૂ. ૭૫ વધારે ચૂકવવા પડશે, કારણ કે આ ટ્રેનોમાં હવે સુપરફાસ્ટ ચાર્જિસ લેવામાં આવી રહ્યા છે.

ભાડામાં કરાયેલા આ વધારાથી રેલવે તંત્ર અતિરિક્ત રૂ. ૭૦ કરોડની કમાણી કરશે.

ભારતમાં આ સાથે સુપરફાસ્ટનો દરજ્જો પ્રાપ્ત કરનાર ટ્રેનોની સંખ્યા વધીને ૧,૦૭૨ થઈ છે.

રેલવે પાસેથી મળેલી માહિતી અનુસાર, આ વર્ષના જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેંબરમાં ૮૯૦ સુપરફાસ્ટ ટ્રેનો એક કલાકથી લઈને ત્રણ કલાક જેટલી મોડી દોડી હતી.

જે મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ કરવામાં આવી છે એમાં મુંબઈ-મથુરા એક્સપ્રેસ, મુંબઈ-પટના એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]