નવા વર્ષના આરંભે જનતાને રાહતઃ સબ્સિડીવાળું રાંધણ ગેસ સિલિન્ડર રૂ. 5.91 સસ્તું, સબ્સિડી વગરનું 120 રૂપિયા સસ્તું

નવી દિલ્હી – નવા વર્ષની પૂર્વસંધ્યાએ દેશની સરકાર સંચાલિત ઓઈલ કંપનીઓ તરફથી જનતાને રાહત આપવામાં આવી છે.

ઘરેલુ રાંધણ ગેસ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)ના સિલિન્ડર દીઠ ભાવમાં રૂ. 5.91 ઘટાડી દેવામાં આવ્યા છે. આ મહિનામાં આ સતત બીજો ઘટાડો કરવામાં આવ્યો છે. ઈંધણના માર્કેટ રેટ ઘટી જતાં કરવેરા પણ ઘટી ગયા છે તેથી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવો શક્ય બન્યો છે.

14.2 કિલોગ્રામના સબ્સિડીવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ આજે મધરાતથી ઘટી જશે.

મુંબઈમાં સબ્સિડીવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ 498.57 છે, જ્યારે સબ્સિડી વગરના સિલિન્ડરનો ભાવ 780.69 છે. સબ્સિડીવાળા સિલિન્ડરના ભાવમાં રૂ. 5.91 ઘટી જશે જ્યારે, સબ્સિડી વગરના સિલિન્ડરના ભાવમાં રૂ. 120.50નો ઘટાડો કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીનો ભાવ ઘટી ગયો છે અને યુએસ ડોલર સામે રૂપિયાનો વિનિમય દર મજબૂત થયો હોવાથી એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે.

ગઈ 1 ડિસેંબરે સબ્સિડીવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 6.52નો ઘટાડો કરવામાં આવ્યો હતો.