શેરબજારમાં મજબૂતીઃ સેન્સેક્સ 35 પોઈન્ટ પ્લસ રહ્યો

અમદાવાદ- શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે બે તરફી વધઘટે સામાન્ય સુધારો આવ્યો હતો. ગ્લોબલ માર્કેટના ન્યૂઝ નેગેટિવ હતા, તેમ છતાં ભારતીય બ્લુચિપ શેરોમાં ઘટાડે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જેથી ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 35.19(0.10 ટકા) વધી 34,450.77 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી 20.65(0.20 ટકા) વધી 10,584.70 બંધ થયો હતો.ટીસીએસમાં જાણકાર વર્તુળોની જોરદાર લેવાલી આવી હતી, અને પરિણામે ટીસીએસની માર્કેટ કેપ આજે 100 અબજ ડૉલરની સપાટી પાર કરી ગઈ હતી. જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરના પરિણામો પ્રોત્સાહક આવ્યા છે, જેને કારણે શુક્રવારે જ ટીસીએસની માર્કેટ કેપ 99.10 અબજ ડૉલરનો આંકડો સ્પર્શ્યો હતો. આ તેજી આજે સોમવારે પણ ચાલુ રહી હતી. ટીસીએસે આજે નવો ઈતિહાસ રચીને તેની માર્કેટ કેપ 100 અબજ ડૉલરને વટાવી ગઈ છે.

  • આ સપ્તાહના ગુરુવારે એપ્રિલ ફયુચર-ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે, જે અગાઉ ઉભા ઓળિયા સરખા કરવારૂપી ટ્રેડિંગ વિશેષ રહ્યા હતા અને શેરોના ભાવ બે તરફી વધઘટમાં અથડાયા હતા.
  • આંતરરાષ્ટ્રીય બજાકમાં ક્રૂડના ભાવમાં વધારો અને ટ્રેડ વૉરને કારણે જિઓપોલિટિકલ ટેન્શનમાં વધારો થયો હતો, જેથી માર્કેટ પણ પ્રેશરમાં આવી ગયું હતું.
  • ભારતીય શેરોમાં દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
  • ડૉલર સામે રૂપિયો 8 પૈસા નરમ 66.20 ખુલ્યો હતો. શુક્રવારે રૂપિયામાં 33 પૈસાની નરમાઈ જોવાઈ હતી.
  • આરબીઆઈની જૂનમાં મળનારી ધીરાણ નીતિ અંગેની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરાય તેવી શક્યતા છે.
  • આજે તેજી બજારમાં પણ એફએમસીજી અને મેટલ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 82.17 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 96.17 પ્લસ બંધ હતો.
  • સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાઃ ઈન્ડુસઈન્ડ બેંક(3.40 ટકા), એમ એન્ડ એમ(3.10 ટકા), બીપીસીએલ(2.68 ટકા), એચસીએલ ટેક(2.41 ટકા) અને સિપ્લા(1.88 ટકા).
  • સૌથી વધુ ગગડેલા શેરોમાઃ હિન્દાલકો(2.48 ટકા), યુપીએલ(1.56 ટકા), ગ્રાસિમ(1.43 ટકા), વેદાન્તા(1.15 ટકા) અને એચડીએફસી બેંક(1.03 ટકા).