સેન્સેક્સની ઐતિહાસિક ઉછાળ: આ કારણો રહ્યા મહત્વના

મુંબઈ:  અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર પર સકારાત્મક વાતચીતની સાથે સાથે મજબૂત વૈશ્વિક સંકેતોને પગલે કારોબારી સત્રના પ્રથમ દિવસે શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પોતાની ઓલટાઈમ હાઈ 40,931 પોઈન્ટ્સની સપાટીને સ્પર્શીને દિવસના અંતે સામાન્ય ઘટાડા સાથે 40,889 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં ઈન્ડેક્સમાં 164 પોઈન્ટ્સની તેજી સાથે સેશનના અંતે તે 12,079ની સપાટીએ બંધ આવ્યો હતો.

બીએસઈ પર 28 કંપનીઓના શેર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયા તો એનએસઈ પર 44 કંપનીઓના શેરોમાં લેવાલી અને છ કંપનીઓમાં વેચવાલી જોવા મળી હતી. આજે વધનારા શેર્સમાં ભારતી એરટેલ ટોચ પર રહ્યો હતો. બીએસઈ પર આ સ્ટોક 7.96 ટકાના ઉછાળા સાથે 454.50 રુપિયાના સ્તરે બંધ આવ્યો હતો. ત્યારબાદ ટાટા સ્ટીલમાં જોરદાર તેજી જોવાઈ હતી. આ શેર 5.23 ટકાના વધારા સાથે 420.50 રુપિયાના સ્તરે બંધ આવ્યો હતો. એચડીએફસીનો શેર પણ આજે 2.62 ટકા વધીને 2295 રુપિયાના સ્તરે બંધ થયો હતો.

આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે ટ્રેડ ડીલ?

અમેરિકા અને ચીન આ વર્ષના અંત પહેલા એક કરાર પર હસ્તાક્ષર કરી શકે છે તેવા અહેવાલની ભારતીય શેરબજાર પર હકારાત્મક અસર જોવા મળી હતી. એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે, ચીન અને અમેરિકા વચ્ચે કરાર થઈ શકે છે. આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધને કારણે સમગ્ર વિશ્વના શેરબજારોમાં તેની અસર જોવા મળી રહી છે. તેનો અંત આવે તેવું દુનિયાના દેશો ઈચ્છી રહ્યા છે. લાંબા સમય બાદ તેની તીવ્રતામાં ઘટાડો થવાના અણસાર જોવા મળ્યા છે.

સેન્સેક્સની કંપનીઓમાં ફેરફાર

બીએસઈએ શુક્રવારે સેન્સેક્સ પર રજિસ્ટર્ડ કેટલીક કંપનીઓને હટાવીને તેમના સ્થાને અન્ય કંપનીઓને રાખવાની જાહેરાત કરી હતી, જેની પણ બજાર પર સકારાત્મક અસર જોવા મળી. એક્સચેન્જે ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆર, યસ બેંક તેમજ વેદાંતાને ઈન્ડેક્સમાંથી હટાવીને તેમનું સ્થાન અલ્ટ્રાટેક સીમેન્ટ, ટાઈટન તેમજ નસ્લે ઈન્ડિયાને આપવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફાર 23 ડિસેમ્બરથી લાગૂ થશે.

એફપીઆઈનો ભરોસો યથાવત

એનએસડીએલના આંકડાઓ અનુસાર, વિદેશી સંસ્થાગત રોકાણકારો (FPI) એ શુક્રવારે 5000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ગત સપ્તાહે એફપીઆઈ એ બજારમાં કુલ 2,683.96 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

એશિયાઈ બજાર

એશિયાઈ શેર માર્કેટમાં સાવચેતી ભરેલી રેલીને કારણે ઘરેલુ શેર માર્કેટને બળ મળ્યું. જાપાનનો નિક્કેઈ 0.7 ટકા, ઓસ્ટેલિયાઈ શેર બજાર 0.5 ટકા તથા શાંધાઈ બ્લૂચિપમાં 0.3 ટકાની મજબૂતી નોંધાઈ. હેંગસેંગમાં પણ 1.5 ટકાની તેજી જોવા મળી. યૂરોપીય બજારમાં તેજી સાથે શરુઆત થઈ. એફટીએસઈમાં 0.7 ટકા, સીએસીમાં 0.6 ટકા તેમજ ડીએએક્સમાં 0.5 ટકાની વૃદ્ધિ જોવા મળી.