શેરબજારમાં 7માં દિવસે તેજીઃ સેન્સેક્સ વધુ 91 પોઈન્ટ વધ્યો

અમદાવાદ– શેરબજારમાં સતત સાતમી ટ્રેડિંગ સેશનમાં તેજીની આગેકૂચ રહી છે. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ અને મૂડીઝ પછી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ ભારતનું રેટિંગ અપગ્રેડ કરશે, એવા આશાવાદ પાછળ પંસદગીના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ વધુ 91.16(0.27 ટકા) વધી 33,679.24 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ વધુ 40.95(0.40 ટકા) વધી 10,389.70 બંધ થયો હતો.સપ્તાહનો છેલ્લો દિવસ અને તેજીનો સાતમો દિવસ હતો, તેમ છતાં તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી સાથે સ્થાનિક નાણા સંસ્થાઓની નવી ખરીદી ચાલુ રહી હતી. આમ તેજીની આગેકૂચ રહી હતી. આજે હેવીવેઈટ શેરોમાં ઈન્ફોસીસ, આઈટીસી, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, ટીસીએસ અને એચડીએફસી બેંકમાં ભારે લેવાલી જોવાતાં માર્કેટને સપોર્ટ મળ્યો હતો. જેથી ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 33,738ની હાઈ બનાવી હતી. અને નિફટીએ 10,400ની સપાટી કૂદાવી દીધી હતી.

ઈન્ફોસીસનો રૂપિયા 3000 કરોડના શેરના બાયબેકનો પ્રોગ્રામ 30 નવેમ્બરથી ચાલુ થઈ રહ્યો છે. બાયબેકના સમાચાર પાછળ ઈન્ફોસીસમાં જોરદાર લેવાલીથી શેરના ભાવમાં ઈન્ટ્રા-ડેમાં 3 ટકાનો ઉછાળો આવ્યો હતો, અને ટ્રેડિંગ સેશનને અંતે  શેરનો ભાવ રૂ.18.55(1.87 ટકા) વધી 1009.95 બંધ રહ્યો હતો.

  • રીલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝે તાજેતરમાં જ પેન્સિલવેનિયા સ્થિત પોતાની મિલકત મરસેલસ શે પ્લેને વેચવાની જાહેરાત કરી હતી. જે ડીલ પુરી થઈ ગઈ છે. આ સમાચારથી રીલાયન્સમાં નવી લેવાલી આવી હતી અને શેરનો ભાવ રૂ.4.35 વધી રૂ.949.50 બંધ રહ્યો હતો.
  • ગુરુવારે એફઆઈઆઈએ કુલ રૂ.73.22 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ પણ રૂ.222.21 કરોડની ખરીદી કરી હતી.
  • આજે તેજી બજારમાં મેટલ સ્ટોકમાં પ્રોફિટ બુકિંગથી નરમાઈ રહી હતી.
  • કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓઈલ, ગેસ, ઓટો, બેંક, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી.
  • રોકડાના શેરોમાં પણ ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી નિકળી હતી. પરિણામે બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 98.14 વધી 16,934.32 બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 80.69 વધી 18,024.55 બંધ થયો હતો.