શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ અને નિફટી રેકોર્ડ હાઈ પર

અમદાવાદ– શેરબજારમાં તેજી આગળ વધી હતી. દરેક પ્રત્યાઘાતી ઘટાડો પચાવીને તેજીવાળા ઓપરેટરો અને સ્થાનિક નાણા સંસ્થાઓની નવી લેવાલી નિકળી હતી. ગ્લોબલ માર્કેટના ન્યૂઝ પણ પોઝિટિવ હતા. પરિણામે શેરોના ભાવ વધુ ઊંચકાયા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ઉછળી 33,964.28 અને નિફટી 10,500ની સપાટી કૂદાવી 10,501.10 રેકોર્ડ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 184.02(0.55 ટકા) વધી 33,940.30 બંધ થયો હતો. અને નિફટી ઈન્ડેક્સ 52.70(0.50 ટકા) વધી 10,493.00 બંધ રહ્યો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. ગુજરાત અને હિમાચલપ્રદેશમાં ભાજપની સરકાર રચાશે, જેને પગલે શેરબજારમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. બીજી તરફ પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવી રહ્યું છે, જે બજેટની તૈયારીઓનો પ્રારંભ થયો છે. વિવિધ ઉદ્યોગ જગત, ટેક્સ એક્સપર્ટ અને બેંકરો સાથેની બેઠકોનો દોર શરૂ થયો છે. આ બજેટ ઈન્વેસ્ટરફ્રેન્ડલી આવશે. આવકવેરા કાયદામાં ધરખમ સુધારા આવશે, જે આશાવાદ પાછળ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી છે.

  • આજે ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં ઓએનજીસી, ઈન્ફોસીસ, ટીસીએસ, એસબીઆઈ, મારૂતિ સુઝુકી, એચડીએફસી બેંક, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી અને એચયુએલમાં ભારે લેવાલીથી ઈન્ડેક્સ ઊંચકાયો હતો.
  • ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 33,964.29 રેકોર્ડ હાઈ બન્યો
  • ઈન્ટ્રા-ડેમાં નિફટીએ 10,501.10 રેકોર્ડ હાઈ થયો
  • દિલીપ બિલ્ડકોનને રૂપિયા 517 કરોડના બે નવા ઓર્ડર મળ્યા છે, જેથી દિલીપ બિલ્ડકોનના શેરમાં ભારે લેવાલીથી 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.
  • આજે તેજી બજારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ અને મેટલ સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ હતી.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. બીએસઈ મીડકેપ 20.07 પ્લસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 110.16 ઊંચકાયો હતો.