શેરબજારમાં ચોથા દિવસે વેચવાલી, સેન્સેક્સમાં 316 પોઈન્ટનું ગાબડુ

અમદાવાદ– શેરબજારમાં સતત ચોથા દિવસે નરમાઈ આગળ વધી હતી. ફીસ્કલ ડેફિસીટ વધીને આવી પણ સામે બીજા કવાર્ટરમાં જીડીપી ગ્રોથ વધીને 6.3 ટકા આવ્યો, તેમ છતાં શેરોની જાતે-જાતમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચેની તંગદિલી વધતી જઈ રહી છે. જેને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું હતું. ડિસેમ્બર ફયુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટનો પ્રથમ દિવસ હતો. તેમ છતાં ભારે વેચવાલીથી નવું ગાબડું પડ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 316.41(0.95 ટકા) ગબડી 32,832.94 બંધ થયો હતો. તેમજ નિફટી 104.75(1.02 ટકા) તૂટી 10,121.80 બંધ થયો હતો.જીએસટી લાગુ થયા પછી જુલાઈથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટરનો જીડીપી ગ્રોથ વધીને 6.3 ટકા આવ્યો હતો. જેને પગલે સવારે ભારતીય શેરોના ભાવ ઊંચા ખુલ્યા હતા. પણ આજે ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી ફરી વળી હતી. એફઆઈઆઈ પણ નેટ સેલર હોવાના સમાચાર હતા. નાણાકીય વર્ષ 2018ના પ્રથમ 7 મહિનામાં જ ફીસ્કલ ડેફિસીટ ટાર્ગેટના 96 ટકાએ પહોંચી ગઈ છે, જેથી રોકાણકારો નિરાશ થયા હતા. હેવીવેઈટ શેરોમાં એસબીઆઈ, હિન્દુસ્તાન યુનીલીવર, ઈન્ફોસીસ ટેકનોલોજી, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, ઓએનજીસી, ટીસીએસ અને આઈટીસીમાં જોરદાર વેચવાલીથી માર્કેટ તૂટયું હતું. તેની સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર વેચવાલી આવી હતી.

  • 2017-18ના નાણાકીય વર્ષમાં 5.46 લાખ કરોડની ફીસ્કલ ડેફિસીટનો ટાર્ગેટ રખાયો હતો. પણ પહેલા સાત મહિનામાં જ ફીસ્કલ ડેફિસીટ વધી 5.2 લાખ કરોડ પહોંચી ગઈ છે.
  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે, પરિણામે આગામી સમયમાં મોંઘવારી વધીને આવશે તેની ચિંતા
  • આરબીઆઈ વ્યાજ દરમાં ઘટાડો નહી કરે, તેવા સંકેતો
  • પીએસયુ બેંક, આઈટી, મેટલ, ફાર્મા, પાવર, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા
  • નિફટીના 50 શેરમાંથી 42 સ્ટોકના ભાવ ગબડ્યા
  • માર્કેટ કેપિટલાઈઝેશનમાં 1.43 લાખ કરોડનો ઘટાડો થયો
  • ગુરુવારે એફઆઈઆઈએ રૂ.1500 કરોડનું વેચાણ કર્યું હતું, સામે સ્થાનિક નાણાકીય સંસ્થાઓએ રૂ.1202 કરોડનું રોકાણ કર્યું હતું.
  • રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 160.17 તૂટ્યો
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 211.39 ગબડ્યો