અણધાર્યાં વાતાવરણથી આ 3 રાજ્યમાં સૌથી વધુ નુકસાન, 64 મૃત્યુ

નવી દિલ્હીઃ વાતાવરણમાં આવેલા પરિવર્તનની અસર દેશભરમાં વર્તાઈ રહી છે. પશ્ચિમ, મધ્યમ અને ઉત્તર ભારતના ખેતરોમાં આંધીને લીધે ઘણું નુકસાન થયું છે. સૌથી વધારે નુકસાન ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં નોંધાયું છે. છેલ્લાં 48 કલાકોમાં વાવાઝોડા સાથે માવઠાની પરિસ્થિતિ સર્જાતા આ રાજ્યોમાં વીજળી ત્રાટકવાના, વૃક્ષો પડવાના અનેક બનાવો બન્યા છે. પરિણામે બે દિવસમાં 64 લોકોના મૃત્યુ પણ થયા છે.

રાજસ્થાનમાં 25, મધ્યપ્રદેશમાં 21 અને ગુજરાતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ વાવાઝોડાને લીધે પંજાબ, મધ્યપ્રદેશ અને બીજાં રાજ્યોમાં પણ નુકસાન નોંધાયું છે. ખેતરોના પાક ઉપરાંત કાપીને મૂકેલા તથા મંડીઓમાં ખુલ્લામાં રાખેલા ઘઉં ને અન્ય અનાજપેદાશો ભીની થવાને લીધે નુકસાન નોંધાયું છે.

સત્તાવાર એવી જાહેરાત કરાઈ છે કે ભારે વાવાઝોડા અને વાતાવરણની અસ્થિરતાનો સમય વીતી ગયો છે. પૂર્વીય ભારત ઉપરાંત આવનારા દિવસોમાં વાતાવરણ શુષ્ક થવાની શરૂઆત થશે. આ અણધારી આફત માટે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનો માટે 2-2 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી, જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી હતી.