ટીકટોક મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂકવો કે નહીં? સુપ્રીમ કોર્ટ 15 એપ્રિલે નક્કી કરશે

નવી દિલ્હી – ચાઈનીઝ કંપનીની TikTok મોબાઈલ એપ્લિકેશન મારફત પોર્નોગ્રાફિક કન્ટેન્ટ એક્સેસ કરી શકાય છે એવી ચિંતાની રજૂઆત કરાયા બાદ આ એપ પર પ્રતિબંધ મૂકવાનો કેન્દ્ર સરકારને આદેશ આપવાનો મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. એને પડકારતી એક અરજીને સાંભળવા સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ છે અને એ માટે તેણે 15 એપ્રિલની તારીખ નક્કી કરી છે.

ટીકટોક એપની માલિક ચાઈનીઝ કંપની બાઈટડાન્સે નોંધાવેલી અરજી પર સુનાવણી કરવા માટે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ તથા બે ન્યાયમૂર્તિઓ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બેન્ચ સહમત થઈ છે. ચાઈનીઝ કંપનીની દલીલ છે કે તેની ટીકટોક એપના અબજ કરતાંય વધારે ડાઉનલોડ્સ થયા છે અને મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એકતરફી ચુકાદો આપ્યો હતો.

આ કેસમાં તાકીદે સુનાવણી કરવાની ચાઈનીઝ કંપનીની અરજીને જોકે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે નકારી કાઢી હતી.

મદ્રાસ હાઈકોર્ટે ગઈ 3 એપ્રિલે તેના ચુકાદામાં કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે ટીકટોક એપ પર પ્રતિબંધ મૂકી દે, કારણ કે એના દ્વારા પોર્નોગ્રાફિક તથા અશ્લીલ સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવે છે એવી ફરિયાદો કરવામાં આવી છે.

મદ્રાસ હાઈકોર્ટે પ્રચારમાધ્યમોને પણ કહ્યું છે કે ટીકટોક દ્વારા બનાવવામાં આવેલી વિડિયો ક્લિપ્સને તેઓ પ્રસારિત ન કરે. આ એપ તેનાં યુઝર્સને ટૂંકા વિડિયો ક્રીએટ કરવા અને પછી શેર કરવાની સવલત આપે છે.

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે અમેરિકામાં જેમ ચિલ્ડ્રન્સ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન કાયદો છે એવો ભારતમાં તે ઘડે. હાઈકોર્ટે આ કેસમાં વધુ સુનાવણી માટે 16 એપ્રિલ નક્કી કરી છે.

ટીકટોક એપ બાળકોનાં જાતીય શોષણ અને પોર્નોગ્રાફીને ઉત્તેજન આપે છે એવો આક્ષેપ એક જનહિતની અરજીમાં કરવામાં આવ્યો છે.