પાંચ બેન્કોના વિલિનીકરણ બાદ વિશ્વની ટૉપ 50માં થશે SBIનો સમાવેશ

નવી દિલ્હી- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં પાંચ અન્ય બેન્કોના વિલીનીકરણને રાજ્યસભાની મંજૂરી મળી ગઈ છે. આ મર્જર થયા બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સંપત્તિના મામલે વિશ્વની ટૉચની 50 બેન્કોમાં જોડાઈ ગઈ છે. બેન્કના ગ્રાહકોની કુલ સંખ્યા હવે 37 કરોડ થવા જાય છે. મહત્વનું છે કે, દેશભરમાં SBIનું બ્રાંચ નેટવર્ક 24 હજારથી પણ વધારે છે. અને બેન્કના ATMની સંખ્યા લગભગ 60 હજાર છે.સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વિલિનીકરણ સાથે જોડાયેલો ખરડો ગતરોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર લાંબી ચર્ચા કરવામાં આવી હતી. જોકે વિલિનીકરણ પહેલાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, કર્મચારીઓની છટણી કરવામાં આવશે. પરંતુ સંબંધિત પ્રધાનોએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, કોઈ પણ કર્મચારીની છટણી કરવામાં નહીં આવે. રાજ્ય નાણાપ્રધાનના જવાબ બાદ રાજ્યસભાએ ખરડાને સર્વાનુમતે પસાર કર્યો હતો.