એટીએમમાંથી કાર્ડ વગર કાઢી શકાશે પૈસા, SBI ની નવી સુવિધા

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકો માટે નવી સુવિધા શરુ કરી છે. આ સુવિધા અંતર્ગત SBI ના ગ્રાહકો હવે કાર્ડનો ઉપયોગ કર્યા વગર જ, એટીએમમાંથી પૈસા કાઢી શકશે. SBI એ આ સુવિધાને YONO Cash નામ આપ્યું છે. SBI ના ગ્રાહકો દેશભરમાં 16,500 એટીએમ પર આ સુવિધાનો લાભ લઈ શકે છે.

SBI ની આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકોએ પોતાના સ્માર્ટ ફોનમાં YONO એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ પર ગ્રાહકોને એક 6 ડિજિટનો YONO પિન સેટ કરવો પડશે. જ્યારે કોઈ ગ્રાહક આ એપ્લિકેશનની સહાયતાથી પૈસા કાઢવા માટે અનુરોધ કરશે, ત્યારે તેના મોબાઈલ પર એક એસએમએસ દ્વારા 6 ડિજિટનો એક રેફરન્સ નંબર આવશે. આ રેફરન્સ નંબર અને YONO પિનની મદદથી ગ્રાહક પોતાના નજીકના એટીએમમાંથી 30 મીનિટની અંદર YONO Cash Point થી કેશ કાઢી શકશે. ભારતીય સ્ટેટ બેંક કાર્ડલેસ કેશની સુવિધા પ્રદાન કરનારી દેશની પ્રથમ બેંક બની ગઈ છે.

SBI એ નવેમ્બર 2017 YONO App લોન્ચ કરી હતી. આજે દેશમાં YONO App ફાઈનાન્શિયલ અને લાઈફસ્ટાઈલ સેવાઓ આપનારી સર્વશ્રેષ્ઠ બેંક બની ગઈ છે. આના પર આશરે 85 ઈ-કોમર્સ કંપનીઓ લિસ્ટેડ છે, જ્યાંથી એસબીઆઈ ગ્રાહક પોતાના માટે ખરીદી કરી શકે છે. સ્ટેટ બેંક અનુસાર ફેબ્રુઆરી 2019 સુધી આશરે 1.8 કરોડ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે અને આના 70 લાખથી વધારે એક્ટિવ યૂઝર છે. YONO App એન્ડ્રોયડ અને ISO બંન્ને પ્લેટફોર્મ પર ઉપ્લબ્ધ છે.