સાઉદી અરેબિયા ભારતમાં 100 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે

નવી દિલ્હી – સાઉદી અરેબિયા ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રિકલ્ચર, પેટ્રોકેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં ધરખમપણે મૂડીરોકાણ કરવાનું છે.

ભારત સ્થિત સાઉદી રાજદૂત ડો. સાઉદ બિન મોહમ્મદ અલ સાતીનું કહેવું છે કે ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ સાઉદી અરેબિયા માટે ભારત આકર્ષક દેશ છે. ભારતના આર્થિક વિકાસની સંભાવનાને ધ્યાનમાં લઈને સાઉદી અરેબિયાએ ભારત સાથે લાંબા ગાળાની વ્યાપાર ભાગીદારી કરવાનું નક્કી કર્યું છે.

સાઉદી અરેબિયા વિશ્વમાં સૌથી મોટું ક્રૂડ તેલ નિકાસકાર છે.

ડો. અલ સાતીએ એમ પણ કહ્યું છે કે એમનો દેશ ઓઈલ, ગેસ અને ખાણ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં ભારત સાથે લાંબા ગાળાની ભાગીદારી કરવા માગે છે.

આ બંને દેશ વચ્ચે હાલ દ્વિપક્ષીય વ્યાપાર ટર્નઓવરનો આંક આશરે 34 અબજ ડોલર છે.

ડો. સાતીએ સમાચાર સંસ્થા પીટીઆઈને આપેલી મુલાકાતમાં કહ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઈલ ઉત્પાદક કંપની અરામકોની સૂચિત ભાગીદારી ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધી રહેલા ઊર્જા ક્ષેત્રના સંબંધોની વ્યૂહાત્મક્તાને પ્રતિત કરે છે.

ડો. અલ સાતીએ વધુમાં કહ્યું છે કે ભારતમાં ઓઈલ સપ્લાય, માર્કેટિંગ, રીફાઈનિંગ ઉપરાંત પેટ્રોકેમિકલ્સ અને લુબ્રિકન્ટ્સ જેવા ક્ષેત્રોમાં મૂડીરોકાણનો નિર્ણય અરામ્કોની જાગતિક વ્યૂહરચનાનો એક મહત્ત્વનો હિસ્સો છે. અરામકો મહારાષ્ટ્રમાં 44 અબજ ડોલરના મૂલ્યવાળા વેસ્ટ કોસ્ટ રીફાઈનનરી અને પેટ્રોકેમિકલ પ્રોજેક્ટમાં મૂડીરોકાણ કરશે અને રિલાયન્સ સાથે લાંબા ગાળાની ભાગીદારી ભારત-સાઉદીના દ્વિપક્ષી સંબંધોમાં વ્યૂહાત્મક સિદ્ધિને પ્રતિત કરે છે.

સાઉદી અરેબિયાના પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાને વિઝન-2030 નક્કી કર્યું છે જે અંતર્ગત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપારી ભાગીદારીનું વિસ્તરણ કરવામાં આવશે.

ભારતની ઊર્જા ક્ષેત્રની સુરક્ષામાં સાઉદી અરેબિયા મહત્ત્વનું પાયેદાર રાષ્ટ્ર રહ્યું છે. ભારત તેની પાસેથી 17 ટકા જેટલું કાચું તેલ અને 32 ટકા લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG – રાંધણગેસ)ની આયાત કરે છે.