પીપીએફ નિયમોમાં થયા બદલાવઃ 5 મુદ્દાઓમાં સમજીએ

નવી દિલ્હીઃ પીપીએફના ખાતાધારકોને ફાયદા અને સુવિધા આપવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ આના નવા નિયમો સૂચિત કર્યા છે. પીપીએફ રોકાણનું એક લોકપ્રિય સાધન છે, જે સારા રિટર્નની ગેરંટી આપે છે. પીપીએફ અકાઉન્ટ મેચ્યોર થવાનો સમય 15 વર્ષ હોય છે અને સરકાર દરેક ત્રીમાસીક ગાળામાં આના પર મળનારા વ્યાજદરમાં બદલાવ કરતી રહે છે. વર્તમાન ત્રીમાસીક ગાળા માટે પીપીએફ પર વાર્ષિક 7.9 ટકાનો વ્યાજદર મળી રહ્યો છે. પીપીએફના નવા નિયમોને આપણે 5 પોઈન્ટ્સમાં સમજીએ.

પીપીએફમાં ડિપોઝિટના નવા નિયમો અનુસાર, ખાતાધારક એક નાણાકિય વર્ષમાં 50 રુપિયાના ગુણાંકમાં ગમે તેટલી વાર રકમ જમા કરાવી શકે છે. જો કે આ રકમ કુલ 1.5 લાખ રુપિયાથી વધારે ન હોવી જોઈએ. આ પહેલા ખાતા ધારક એક નાણાકિય વર્ષમાં માત્ર 12 ડિપોઝિટ કરી શકતો હતો.

ખાતુ ખોલવાના 5 વર્ષ બાદ કોઈપણ ખાસ પરિસ્થિતિઓમાં જ સરકાર ખાતાને બંધ કરવાની મંજૂરી આપે છે. આ પરિસ્થિતિઓમાં પહેલા ખાતાધારક, તેના જીવનસાથી અથવા ડિપેન્ડેન્ટ ચિલ્ડ્રન અથવા પેરેન્ટને થયેલી કોઈપણ જીવલેણ બીમારીની સારવાર માટે ખાતાને પ્રી-મેચ્યોર બંધ કરવાની મંજૂરી મળે છે. આ સીવાય, જો ખાતાધારક અથવા તેનું બાળક હાયર સ્ટડી કરવા ઈચ્છે છે તો તેના માટે પણ ખાતાને મેચ્યોરિટી પહેલા બંધ કરી શકાતુ હતું. જો કે બંન્ને પરિસ્થિતિઓમાં ખાતાધારકને દાવાના સમર્થનમાં યોગ્ય દસ્તાવેજો જમા કરવા પડે છે.

ખાતાને મેચ્યોર થતા પહેલા બંધ કરવા માટે સરકારે ઉપરોક્ત બંન્ને પરિસ્થિતિઓ સીવાય એક અન્ય શરત જોડી છે. જો ખાતાધારક કોઈ અન્ય દેશની નાગરિકતા ગ્રહણ કરી રહ્યો છે તો તે સ્થિતિમાં પણ ખાતાને મેચ્યોર થતા પહેલા બંધ કરી શકાય છે.

પીપીએફ ખાતાધારક ખાતા પર લોન પણ લઈ શકે છે. નવા નિયમો અંતર્ગત લોનની રકમ પર લાગનારા વ્યાજદર હવે તેને ખાતા પર મળનારા વ્યાજદરથી 1 ટકા વધારે હશે, જ્યારે પહેલા આ 2 ટકા હતું. જો ખાતાધારકનું મૃત્યુ થઈ જાય તો લોન પર લાગનારા વ્યાજની ચૂકવણી તેના નોમિની અથવા વારસદારે કરવાની રહેશે.

આ સીવાય, પોસ્ટ વિભાગે પીપીએફ અકાઉન્ટમાં હવે કોઈપણ નોન-હોમ પોસ્ટ ઓફિસ બ્રાંચ દ્વારા કોઈપણ રકમ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક અકાઉન્ટ ચેક જમા કરાવવાની મંજૂરી આપી છે. પહેલા આની મર્યાદા 25 હજાર રુપિયા સુધીની જ હતી. આ જ નિયમ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ, પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ ખાતા દ્વારા લાગુ કરવામાં આવ્યો છે.