પેટ્રોલ-ડીઝલની વધતી કીંમતોથી બગડશે રસોડાનું બજેટ, તેલ સહિતની વસ્તુઓ થઈ શકે છે મોંઘી

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવો પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા હોવાના કારણે પેક્ડ સ્નેક્સ, ડિટર્જન્ટ અને ખાદ્યતેલ જેવી રોજીંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ભાવ 4 થી 7 ટકા જેટલો વધી શકે છે. આ વસ્તુઓ બનાવનારી કંપનીઓએ આ મામલે આપેલા નિવેદનથી મોંઘવારીને વધુ વેગ મળશે તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે. ગત વર્ષે નવેમ્બરમાં જીએસટી કાઉન્સિલ દ્વારા 178 જેટલી વસ્તુઓ પર ટેક્સ રેટ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને તેના કારણે કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોને થોડી રાહત મળી હતી પરંતુ હવે ભાવો વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

જીએસટી રેટ ઘટવા પર કંપનીઓએ ડિટર્જન્ટ, ડિઓડ્રન્ટ્સ, શેમ્પૂ, સ્નેક્સ અને એડિબલ ઓઈલના ભાવમાં 10 થી 20 ટકા જેટલો ઘટાડો કર્યો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ક્રૂડ ઓઈલના ભાવ જો વર્તમાન સ્તર પર બનેલા રહેશે તો આવનારા સમયમાં કિંમતોમાં 4 થી 5 ટકા જેટલો વધારો થઈ શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. ક્રૂડ ઓઈત ગત સપ્તાહે 80 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચ્યા બાદ હવે 75 ડોલર પર આવી ગયું છે. આના કારણે આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટશે તેવી શક્યતાઓ છે. પેટ્રોલ દિલ્હીમાં 78.27 રૂપીયા પ્રતિ લીટર અને મુંબઈમાં 86.08 રૂપીયા પ્રતિ લીટર રહ્યું છે, તો ડીઝલ દિલ્હીમાં 69.17 પ્રતિ લીટર અને મુંબઈમાં 73.64 રૂપીયા પ્રતિ લીટર રહ્યું છે. ક્રૂડના ભાવોમાં વધારાની સીધી અસર કન્ઝ્યુમર સ્ટેપલ્સ પર પડે છે કારણકે બોટલ અને ટ્યૂબ સહિત પેકેજિંગ મટીરિયલ બનાવવા માટે પેટ્રોલિયમ સાથે જોડાયેલા ઉત્પાદનોનો ઉપયોગ થાય છે.