રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નવો રેકોર્ડ; દ્વિતીય ક્વાર્ટરમાં નોંધાવ્યો રૂ. 9,516 કરોડનો ચોખ્ખો નફો

મુંબઈ – ટેલિકોમથી લઈને ઓઈલ અને રીટેલ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ 2018ના સપ્ટેંબરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 9,516 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જે પહેલા ક્વાર્ટરની તુલનાએ 0.6 ટકાનો વધારો અને ગત વર્ષના આ જ ક્વાર્ટર કરતાં 17.35 ટકાનો વધારો સૂચવે છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 9,459 કરોડ હતો.

દ્વિતીય ક્વાર્ટરમાં કંપનીની કુલ આવકમાં 11.3 ટકાનો વધારો થઈ રૂ. 1,43,323 કરોડ છે, જે ગત્ ક્વાર્ટરમાં રૂ. 1,33,069 કરોડ હતી અને ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં રૂ. 1,28,756 કરોડ હતી.

આ વર્ષે નફો 17.35 ટકા અને આવક 53.56 ટકા વધ્યાં છે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું છે કે વર્ષથી વર્ષના આધારે કમાણીમાં મજબૂત વૃદ્ધિ થવાથી કંપનીએ ક્વાર્ટરમાં ઝમકદાર ઓપરેટિંગ અને નાણાકીય પરિણામ હાંસલ કર્યા છે.

કંપનીની રેકોર્ડ આવકમાં વર્લ્ડ ક્લાસ પેટ્રોકેમિકલ્સ સંપત્તિનું મુખ્ય યોગદાન રહ્યું છે. પેટ્રોકેમિકલ્સ બિઝનેસ 8.6 ટકા વધ્યો અને રૂ. 43,745 કરોડ નોંધાયો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 2,290 કરોડમાં ડેન નેટવર્કમાં 66 ટકા અને રૂ. 2,940 કરોડમાં હેથવે કેબલમાં 51.3 ટકા હિસ્સો ખરીદશે.

દ્વિતીય ક્વાર્ટરમાં, RILનો ગ્રોસ રિફાઈનિંગ માર્જિન 9.50 ડોલર/bbl રહ્યો હતો.