માર્કેટમાં કિંગ બની RIL, માર્કેટ કેપ 7.43 લાખ કરોડ થઈ

નવી દિલ્હીઃ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વધારે માર્કેટ કેપવાળી કંપની બની ગઈ છે. મૂકેશ અંબાણીની આરઆઈએલનો માર્કેટ કેપ 7.43 લાખ કરોડ રુપિયા થઈ ગયો છે જે ટીસીએસથી વધારે છે. ટીસીએસનો માર્કેટ કેપ 7.39 લાખ કરોડ રુપિયા છે. તો આપને જણાવી દઈએ કે માર્કેટ કેપ મામલે લાંબા સમયથી ટીસીએસ નંબર વન કંપની હતી. વ્યાપાર દરમિયાન આરઆઈએલના શેરમાં 2 ટકાથી વધારે તેજી રહી, જેનો ફાયદો કંપનીને થયો.

મહત્વનું છે કે ટીસીએસનો માર્કેટ કેપ સોમવારના રોજ 7.45 લાખ કરોડ રુપિયા પર બંધ થયો હતો. તો મંગળવારના રોજ વ્યાપાર દરમિયાન તેના શેરમાં 0.70 ટકા જેટલો ઘટાડો થયો હતો જેના કારણે કંપનીનો માર્કેટ કેપ 6 હજાર કરોડ રુપિયા ઘટીને 7.39 લાખ કરોડ રહી ગયો.

આ પહેલા 12 જુલાઈના રોજ વ્યાપાર દરમિયાન આરઆઈએલ બીજીવાર 100 અરબ ડોલરના ક્લબમાં આવ્યું હતું. તે સમયે આરઆઈએલનો માર્કેટ કેપ 6.89 લાખ કરોડ રુપિયા સુધી પહોંચી ગયો હતો. તો તે સમયે ટીસીએસનો માર્કેટ કેપ 7.55 લાખ કરોડ રુપિયા હતો. આરઆઈએલનો માર્કેટ કેપ આ પહેલા એક્ટોબર 2007માં પ્રથમવાર 100 અબજ ડોલરને પાર પહોંચી ગયો હતો. તે સમયે એક ડોલરની કીમત 39.5 રુપિયા હતી.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે થોડા સમય પહેલાં જ એજીએમ દરમિયાન કેટલાક નવા પ્લાનની જાહેરાત કરી હતી. કંપનીના આ આકર્ષક પ્લાનને લઈને શેરમાં પણ તેજી જોવા મળી છે. આરઆઈએલનો શેર 5 જુલાઈના રોજ 965 રુપિયાના ભાવ પર હતો ત્યાં જ તે 31 જુલાઈના રોજ 1174 રુપિયાના ભાવ પર પહોંચી ગયો હતો. 12 જુલાઈના રોજ આ શેર 1086 રુપિયાના ભાવ પર હતો. એટલે કે એજીએમ બાદ શેરમાં આશરે 22 ટકા જેટલી તેજી આવી છે.