મુંબઈ-પુણે હાઈપરલૂપ ટ્રેન પ્રોજેક્ટ માટે રિચર્ડ બ્રાન્સન મળ્યા ઉદ્ધવ ઠાકરેને

મુંબઈ – 10 અબજ ડોલરનો જેનો અંદાજિત ખર્ચ છે તે મુંબઈ-પુણે વચ્ચે અલ્ટ્રાફાસ્ટ હાઈપરલૂપ પરિવહન સેવાના પ્રોજેક્ટ મામલે ચર્ચા કરવા માટે બ્રિટનના અબજોપતિ અને વર્જિન ગ્રુપના માલિક રિચર્ડ બ્રાન્સન આજે અહીં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા.

આ મુલાકાત ઠાકરેના બાન્દ્રા (પૂર્વ) સ્થિત પારિવારિક નિવાસસ્થાન માતોશ્રી ખાતે યોજાઈ હતી.

આ પ્રોજેક્ટ અંગે જે કંઈ ગેરસમજ હોય તો એ દૂર કરવા તેમજ આ યોજનામાં નવી રાજ્ય સરકારને કેટલો રસ છે તે જાણવા માટે બ્રાન્સન આજે ઠાકરેને મળ્યા હતા.

ઠાકરેએ એમને કહ્યું હતું કે હું આ પ્રોજેક્ટનો અભ્યાસ કરીશ અને પછી નિર્ણય જણાવીશ.

આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી.

બ્રાન્સને આ પ્રોજેક્ટ માટે સહકાર આપવાની મુખ્ય પ્રધાન ઠાકરેને વિનંતી કરી હતી.

આ પ્રોજેક્ટ માટે ઓરિજિનલ પ્રોજેક્ટ પ્રોપોનન્ટ એગ્રીમેન્ટ તૈયાર છે.

બ્રાન્સને અગાઉ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ ખાનગી ક્ષેત્ર જ ભોગવશે અને રાજ્ય સરકારે કોઈ પૈસા આપવાના નહીં આવે. અમે માત્ર એટલું જ જાણવા માગીએ છીએ કે નવી સરકાર પણ જૂની (ફડણવીસની) સરકાર જેટલી જ આ પ્રોજેક્ટમાં રસ ધરાવે છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે, ગયા જુલાઈ મહિનામાં, દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળના પ્રધાનમંડળે આ પ્રોજેક્ટને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપ્યો હતો. વળી, ડીપી વર્લ્ડ એફઝેડઈ અને હાઈપરલૂપ ટેક્નોલોજીસના એક ઉદ્યોગસમૂહની રચનાને મંજૂરી પણ આપી હતી.

એ વખતે સરકારે કહ્યું હતું કે હાઈપરલૂપ ટ્રેન મુંબઈના બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) અને પુણેના વાકડી વચ્ચે દોડશે. આ રૂટ 117.5 કિ.મી.નો હશે જે અંતર હાઈપરલૂપ ટ્રેન માત્ર 23 મિનિટમાં જ પૂરું કરશે. સામાન્ય રીતે આ બે શહેર વચ્ચે ટ્રેન પ્રવાસ માટે 3 કલાકથી પણ વધારે સમય લાગે છે.

હાઈપરલૂપ ટેક્નોલોજી વાસ્તવમાં ઈલોન મસ્કની આગેવાની હેઠળની ટેસ્લા કંપનીની શોધ છે, જેમાં લોકો સાથેના ‘પોડ’ના પરિવહન માટે વેક્યૂમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી હજી કમર્શિયલ ધોરણે શરૂ કરવામાં આવી નથી.

રિચર્ડ બ્રાન્સનના વર્જિન ગ્રુપે ‘હાઈપરલૂપ વન’ નામે કંપની શરૂ કરી છે.

મુંબઈ-પુણે હાઈપરલૂપ પ્રોજેક્ટ 2020ના અંત સુધીમાં શરૂ કરી દેવાનું બ્રાન્સનની કંપનીએ મહારાષ્ટ્ર સરકારને વચન આપ્યું છે.

બ્રાન્સને કહ્યું કે એમના ગ્રુપની હાઈપરલૂપ કંપનીના એન્જિનીયરો હાલ અમેરિકાના લાસ વિગાસમાં કામ કરી રહ્યા છે અને ઓર્ડર મળે કે તરત જ મુંબઈ-પુણે પ્રોજેક્ટ માટે કામ શરૂ કરી દેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]