રિલાયન્સ જિયોનાં ગ્રાહકોને આંચકો, આ કંપની પણ મોબાઈલ ચાર્જિસ વધારશે

મુંબઈ – અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો કંપની તેના મોબાઈલ ફોન કોલ અને ડેટા ચાર્જિસ વધારવાની છે.

કંપનીએ આજે એક નિવેદન દ્વારા આ જાહેરાત કરી છે.

હજી ગઈ કાલે વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલ કંપનીઓએ પણ જાહેરાત કરી હતી કે તેઓ ડિસેંબરથી એમના મોબાઈલ સર્વિસ ચાર્જિસ વધારશે.

જિયોનું કહેવું છે કે ટેલિકોમ ક્ષેત્રની રેગ્યૂલેટર એજન્સી TRAI ટેલિકોમ ચાર્જિસમાં ફેરફાર કરવા માટે મસલત પ્રક્રિયા શરૂ કરે એવી ધારણા છે.

જિયોએ એક નિવેદનમાં કહ્યું છે કે અન્ય ઓપરેટરોની માફક અમે પણ ભારતીય ગ્રાહકોને લાભ કરાવવા અને ઉદ્યોગને મજબૂત બનાવવા માટે સરકારની સાથે મળીને કામ કરીશું અને રેગ્યૂલેટરના નિયમોનું પાલન કરીશું.

અમે આગામી અમુક અઠવાડિયાઓમાં જ અમારા ચાર્જિસમાં ઉચિત રીતે વધારો કરીશું. અમે એવી રીતે વધારો કરીશું કે જેથી ડેટા વપરાશને કે ડિજિટલ વિકાસને કોઈ માઠી અસર ન પડે અને મૂડીરોકાણનું પ્રમાણ પણ જળવાઈ રહે.

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે મોબાઈલ ડેટાનાં ચાર્જિસ 95 ટકા જેટલા ઘટી ગયા છે. મોબાઈલ કોલિંગ રેટ્સ પણ આશરે 60 ટકા ઘટી ગયા છે.