સોમવારે મુંબઈમાં RILની AGM; જિયો ગીગાફાઈબર, જિયો ફોન 3 લોન્ચની ધારણા

મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) તેની 42મી વાર્ષિક સામાન્ય સભા સોમવારે અહીં દક્ષિણ મુંબઈના ન્યૂ મરીન લાઈન્સ સ્થિત બિરલા માતુશ્રી સભાગૃહમાં યોજશે. આ સભાને કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી સંબોધિત કરશે. કંપની AGMનું લાઈવ સ્ટ્રીમ પણ પૂરું પાડવાની છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની AGM સોમવારે સવારે 11 વાગ્યાથી શરૂ થશે.

આવતીકાલની AGMમાં જિયો ગીગા ફાઈબર બ્રોડબેન્ડ સેવા અને નવા જિયો ફોન 3 મોડેલના લોન્ચિંગની જાહેરાત કરવામાં આવે એવી ધારણા છે. સૌની મીટ આ જાહેરાતો થવા પર મંડાયેલી છે.

ગયા વર્ષની વાર્ષિક સામાન્ય સભામાં, ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે જિયો તેની ફાઈબર-ટુ-ધ-હોમ (FTTh) સેવા – જિયો ગીગાફાઈબર શરૂ કરવાની છે જે અંતર્ગત ટીવી અને ફિક્સ્ડ લેન્ડલાઈન સાથે કોમ્બો બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવામાં આવશે. ત્યારપછી અનેક શહેરોમાં જિયો બ્રોડબેન્ડ સેવાનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું હતું. હવે ભારતભરમાં 1,600 શહેરોમાં ફૂલ-ફ્લેજ્ડ કમર્શિયલ લોન્ચિંગની તૈયારી ચાલે છે.

ગત્ બે AGMમાં રિલાયન્સ જિયોએ જિયો ફોનનાં બે મોડેલ બહાર પાડ્યા હતા. આ વખતની AGMમાં અંબાણી પરિવાર જિયો ફોન 3 મોડેલનો ફોન લોન્ચ કરવાની જાહેરાત કરે એવી ધારણા છે.

છેલ્લા ત્રણ વર્ષથી રિલાયન્સ જિયો ભારતમાં આવકની દ્રષ્ટિએ સૌથી મોટી ટેલિકોમ પ્લેયર બની ગઈ છે અને ધારકોનાં બેઝની દ્રષ્ટિએ બીજા નંબર પર છે.

જિયો ગીગાફાઈબરઃ

અંબાણી પરિવાર આવતીકાલની એજીએમમાં જિયો ગીગાફાઈબર અને જિયો ગીગા ટીવી લોન્ચ કરવાની જાહેરાત કરે એવી ધારણા છે. અગાઉ એવા અહેવાલો આવી ચૂક્યા છે કે જિયો પ્રતિ સેકંડ 1 ગીગાબાઈટ્સની સ્પીડ સાથે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડશે, તે ઉપરાંત 600 ટીવી ચેનલ પૂરી પાડશે અને એક લેન્ડલાઈન ફોન કનેક્શન પણ આપશે. એ માટે ધારકે દર મહિને રૂ. 600 ભરવાના રહેશે. આમ, મોબાઈલ ટેલિફોની સેવાની જેમ હવે જિયો કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સેગ્મેન્ટ્સમાં પણ ઝંપલાવશે અને સસ્તા ભાવે સેવા પૂરી પાડીને માર્કેટમાં છવાઈ જશે.

જિયો ગીગાફાઈબર પ્લાન્સ પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ, એમ બંને ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. યુઝર્સે જોકે બ્રોડબેન્ડ સેવા મેળવવા માટે રાઉટરની જેમ કામ કરનાર ONT ડીવાઈસ (ગીગાહબ હોમ ગેટવે) મેળવવા માટે રૂ. 4,500ની સિક્યુરિટી ડિપોઝીટ ચૂકવવાની રહેશે.

રિલાયન્સ જિયોએ તાજેતરમાં તેની માયજિયો એપ મારફત યુઝર્સ પાસેથી સૂચનો મગાવ્યા હતા કે કંપનીની બ્રોડબેન્ડ સેવાનું નામ શું રાખવું જોઈએ. એ માટે તેણે ત્રણ વિકલ્પ આપ્યાં હતાઃ જિયોફાઈબર, જિયોહોમ અને જિયોગીગાફાઈબર.

જિયો ફોન 3:

રિલાયન્સ જિયોનાં અગાઉનાં બે ફોન મોડેલ – જિયો ફોન અને જિયો ફોન 2 માર્કેટમાં શરૂઆતથી છવાઈ ગયા હતા. અત્યાર સુધીમાં તેણે આ બે સ્માર્ટ ફીચર ફોન્સનાં પાંચ કરોડથી વધારે યુનિટ્સ વેચ્યા છે.

આ હાઈબ્રિડ સ્માર્ટફોન અને ફીચર ફોન એવા લોકોને પોષાય એવી કિંમતે મળશે જેઓ સ્માર્ટફોન જેવા ફીચર્સ ઈચ્છે છે, પણ ઓછી કિંમત ચૂકવવા માગે છે. જિયો ફોન રૂ. 1,500ની રીફંડેબલ ડિપોઝીટ સાથે મળતો થયો હતો જ્યારે જિયો ફોન 2ની કિંમત રૂ. 2,999 છે.

સોમવારની AGMની સાથે રિલાયન્સ કંપની જિયો ફોન 2 મોડેલનું વેચાણ પણ કરશે અને વધારે ફીચર્સવાળા તેમજ આકર્ષક કિંમતવાળો જિયો ફોન 3 લોન્ચ કરવાની જાહેરાત પણ કરે એવી ધારણા છે.