આઈડિયાને પાછળ છોડી ત્રીજા નંબરની મોટી કંપની બની જિઓ

નવી દિલ્હીઃ રીલાયન્સ જિઓ ઈન્ફોકોમ રેવન્યૂ માર્કેટ શેરના હિસાબથી ભારતની ત્રીજા નંબરની ટેલિકોમ કંપની બની ગઈ છે. જિઓ આઈડિયા સેલ્યુલરને પાછળ છોડીને વોડાફોન ઈન્ડિયાની નજીક પહોંચતી દેખાઈ રહી છે. તેની આક્રમક પ્રાઈઝિંગ સ્ટ્રેટજીએ બીજી કંપનીઓની ઉંઘ હરામ કરી નાંખી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા ફાઈનાન્શિયલ ડેટા અનુસાર, માત્ર 19 મહિનામાં જ મુકેશ અંબાણીના નિયંત્રણવાળી જિઓ કંપનીના રેવન્યુ માર્કેટ શેર માર્ચના અંત સુધીમાં 20 ટકા સુધી પહોંચી ચૂક્યાં હતાં. 

આઈડિયાના રેવન્યૂ માર્કેટ શેર ઘટીને 16.5 ટકા પર આવી ગયા છે જ્યારે બીજા નંબરની કંપની વોડાફોન ઈન્ડિયાના RMS વધીને 21 ટકા પર પહોંચી ગયા છે. સુનીલ મિત્તલના નિયંત્રણ વાળી ભારતી એરટેલના RMS આશરે 32 ટકા જેટલા છે. ભારતીને ટાટા ટેલિસર્વિસઝ સાથે ઈન્ટ્રા-સર્કલ રોમિંગ પેક કરવાથી ફાયદો મળ્યો છે. ટાટા ટેલીના કન્ઝ્યુમર મોબિલિટી બિઝનેસ એરટેલ ખરીદી રહી છે.

  
આ મહિને આઈડિયા અને વોડાફોન ઈંડિયાનું મર્જર પૂર્ણ થશે જેનાથી 63000 કરોડ રૂપિયાની આવકવાળી કંપની બનશે જેની પાસે આશરે 43 કરોડ સબ્સક્રાઈબર હશે. વોડાફોન ઈંડિયા અને આઈડિયાના મર્જરથી બનનારી કંપની 37.5 RMS અને સૌથી મોટા યૂઝર બેઝ સાથે માર્કેટમાં લીડર બની જશે. ત્યારબાદ એરટેલ અને જિઓનો નંબર આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર જિઓ 18 સર્કલ્સમાં પહેલા જ નંબર 1 અથવા નંબર 2 પર છે. 15 સર્કલ્સમાં તેની પાસે 25 ટકા એજીઆર માર્કેટ શેર છે. 
   
જિઓએ સપ્ટેમ્બર 2016માં અખિલ ભારતીય 4જી નેટવર્ક સાથે કામકાજ શરૂ કર્યું હતું. મળતી વિગતો અનુસાર માર્ચના ક્વાર્ટરમાં તેની એડજસ્ટ ગ્રોસ રેવન્યૂ ત્રિમાસિક ગાળાના આધાર પર 18 ટકાથી વધીને 6300 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. તો એરટેલ, વોડાફોન ઇંડિયા અને આઈડિયા માટે આ આંકડા ક્રમશઃ 5.5 ટકા, 4.8 ટકા અને 8.8 ટકા ઘટીને 10,100 કરોડ રૂપિયા, 6700 કરોડ અને 5200 કરોડ રૂપિયા રહ્યા.  
  

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]