ઓગસ્ટમાં જિઓમાં જોડાયા 84.45 લાખ ગ્રાહકો, એરટેલે 5.61 લાખ ગુમાવ્યા

નવી દિલ્હી: ટ્રાઈ (TRAI) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, રિલાયન્સ જિઓ એક માત્ર એવી દૂરસંચાર કંપની છે જેના ગ્રાહકોની સંખ્યા ઓગસ્ટમાં વધી છે. અન્ય દૂરસંચાર કંપનીઓ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાના ગ્રાહકોમાં આ દરમ્યાન ઘટાડો થયો છે. આંકડાઓ અનુસાર જિઓએ આ દરમ્યાન સૌથી વધુ 84.45 લાખ મોબાઈલ ગ્રાહકો જોડ્યા.

ટ્રાઈએ ઓગસ્ટ 2019 માટે જાહેર કરેલ દૂરસંચાર ગ્રાહક રિપોર્ટમાં કહ્યું કે, દેશમાં ટેલીફોન કનેક્શન લેનારાઓની સંખ્યા જુલાઈ 2019ના અંતમાં 118.93 કરોડ હતી, જે ઓગસ્ટ 2019ના અંત સુધીમાં વધીને 119.18 કરોડ પર પહોંચી ગઈ. કુલ ટેલીફોન વપરાશકર્તાઓમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 117.1 કરોડની સાથે 98 ટકાથી વધુ રહી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કુલ વાયરલેસ ગ્રાહક (જીએસએમ,સીડીએમએ અને એલટીઈ)ની સંખ્યા આ દરમ્યાન વધીને 117.1 કરોડ પર પહોંચી છે. એક મહિના પહેલા આ સંખ્યા 116.83 કરોડ હતી. આ દરમ્યાન વોડાફોન આઈડિયામાંથી 49.56 લાખ ગ્રાહકો, ભારતી એરટેલના 5.61 લાખ, બીએસએનએલના 2.36 લાખ, એમટીએનએલના 6701 ગ્રાહકો અને રિલાયન્સ કોમ્યૂનિકેશન્સના 63 ગ્રાહકોએ કંપની છોડી.

જિઓ સિવાય બીએસએનએલ જ એક માત્ર એવી કંપની રહી જે ઓક્ટોબર 2018 પછી નવા ગ્રાહકોને જોડવામાં સફળ રહી હતી, જોકે, ઓગસ્ટમાં તેના ગ્રાહકોમાં પણ ઘટાડો નોંધાયો હતો. ઓગસ્ટમાં 48.6 લાખ ગ્રાહકોએ મોબાઈલ નંબર પોર્ટ કર્યા. લેન્ડલાઈન ગ્રાહકોની સંખ્યા ઓગસ્ટમાં 1.5 લાખથી ઘટીને 2.08 કરોડ પર આવી ગઈ હતી.