રીલાયન્સ ડિજિટલ સ્ટોરમાં વેચાશે વનપ્લસના સ્માર્ટફોન, બંને કંપની વચ્ચે થઈ ભાગીદારી

મુંબઈઃ ભારતમાં સ્માર્ટફોનની પ્રીમીયમ બ્રાન્ડ OnePlus અને દેશમાં સૌથી વધુ ઝડપે વિકસી રહેલી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ચેન, રીલાયન્સ ડિજિટલ વચ્ચે આજે ભાગીદારીની જાહેરાત થઇ છે. આ ભાગીદારી થકી વનપ્લસ અને રીલાયન્સ ડિજિટલ ગ્રાહકો માટે વનપ્લસ મોબાઈલ ખરીદી કરવા દેશભરમાં વધુ સવલત ઉભી કરી રહ્યાં છે.

ઓફલાઈન ભાગીદાર તરીકે રીલાયન્સ ડિજિટલના સ્ટોર ઉપર વનપ્લસની પ્રોડક્ટ્સ ગ્રાહકો વધુ સરળતાથી ઓનલાઈન ઉપર મળતી કિંમતે જ ખરીદી શકશે. ઉપરાંત, રીલાયન્સ ડિજિટલ સ્ટોર ઉપર ગ્રાહકોને આપવામાં આવતા વળતરનો લાભ પણ મળશે.

આ પ્રસંગે વનપ્લસ ઇન્ડિયાના જનરલ મેનેજર વિકાસ અગ્રવાલે જણાવ્યું હતું, “ભારતમાં પ્રીમીયમ સ્માર્ટફોનનું બજાર વિસ્તરી રહ્યું છે. વનપ્લસ આ વિકસી રહેલા બજારમાં ગ્રાહકો સુધી વધુ અસરકારક રીતે પહોંચવા ઓનલાઈન સાથે ઓફલાઈન પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરશે. રીલાયન્સ ડિજિટલ સાથેની આ ભાગીદારી થકી વનપ્લસને દેશભરના શહેરોમાં ગ્રાહકો સુધી પહોંચવા સુદ્રઢ બનાવશે. ગ્રાહકોને સૌથી શ્રેષ્ઠ અનુભવ આપવાની રીલાયન્સ ડિજિટલને નેમ સાથે વનપ્લસની ગ્રાહકોને શ્રેષ્ઠ ઉત્પાદન આપવાની નેમ જોડાય છે.”

“વર્તમાન ઓનલાઈન બિઝનેસ સાથે ઓફલાઈન થકી ગ્રાહકો માટે પ્રોડક્ટની વધુ વ્યાપક ઉપલબ્ધતા. બ્રાન્ડ સાથે લોકોનું જોડાણ વધારશે, ગ્રાહકો વધુ સારી રીતે પ્રોડક્ટ સમજી શકશે,” એમ તેમણે ઉમેર્યું હતું.

ભાગીદારી અંગે વધુ વિસ્તારથી માહિતી આપતા રીલાયન્સ ડિજિટલના CEO બ્રિયાન બેડેએ જણાવ્યું હતું,”વનપ્લસ સાથેની આ ભાગીદારીની જાહેરાત કરતા અમે હર્ષ અનુભવીએ છીએ. અમારો સતત પ્રયાસ છે કે ટેકનોલોજીની જરૂરિયાત સાથે ગ્રાહકોને વિશ્વ કક્ષાનો અનુભવ આપીએ અને તેમાં OnePlus 6T વધુ એક ઉમેરો છે.”

ભારતીય બજાર માટે કટિબદ્ધ વનપ્લસે વિશ્વમાં સૌપ્રથમ વખત આ રીતે ભાગીદારી કરી છે. કાઊંટર પોઈન્ટની માર્કેટ મોનીટર સર્વિસના Q2  રીપોર્ટ અનુસાર ભારતમાં ૪૦% બજાર હિસ્સા સાથે વનપ્લસ પ્રીમીયમ સ્માર્ટફોન ક્ષેત્રે સૌથી મોટી બ્રાન્ડ છે.

આ સહયોગના ભાગરૂપે, વનપ્લસ અને રીલાયન્સ ડિજિટલ દરેક સ્ટોરમાં ગ્રાહકો માટે ખાસ ઝોન ઉભા કરી ફોનના લાઈવ ડેમો અને ડિસ્પ્લે આપશે તેમજ ગ્રાહકોને ખરીદી વખતે પ્રોડક્ટ અંગે કોઇપણ સમજણની આવશ્યકતા નિષ્ણાંત અને તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા પૂરી પાડવામાં આવશે.