વિશ્વના સ્ટોક માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુુ પોઈન્ટનું ગાબડું

અમદાવાદ– સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ અને નેસ્ડેકમાં 2008 પછીનો સૌથી મોટો કડાકો બોલી ગયો છે. આ ગાબડાથી એક વર્ષ દરમિયાન આવેલ ઉછાળો ધોવાઈ ગયો છે. અમેરિકન સ્ટોક માર્કેટમાં હેવી સેલઓફ આવતાં ડાઉ જોન્સ 1175 પોઈન્ટ તૂટ્યો હતો. અને નેસ્ડક પણ 273 પોઈન્ટ ગબડ્યો હતો. તેની પાછળ આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ ગબડ્યા છે. ભારતીય શેરબજારમાં પણ ભારે વેચવાલી ફરી વળી છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 1210 પોઈન્ટ અને નિફટી 350 પોઈન્ટના ગાબડા સાથે ખુલ્યા હતા.dowjones stockઅમેરિકામાં 10 વર્ષના બોન્ડ યીલ્ડ 2.88 સુધી પહોંચી ગયા હતા. બોન્ડ યીલ્ડમાં વધારો થતાં અમેરિકન સ્ટોક માર્કેટ હેવી સેલીંગ આવ્યું હતું. આગામી દિવસોમાં પણ બોન્ડ યીલ્ડ વધવાની ગણતરી મુકાઈ રહી છે. આથી અમેરિકન સ્ટોક માર્કેટ ગબડી પડ્યું હતું. જેને પગલે આજે એશિયાઈ સ્ટોક માર્કેટ તૂટ્યા હતા.

એશિયાઈ સ્ટોક માર્કેટમાં કડાકો

જાપાનનો નિક્કી -1264 પોઈન્ટ

સિંગાપોરનો સ્ટ્રેઈટ ટાઈમ્સ -119 પોઈન્ટ

હોંગકોંગનો હેંગસેંગ -1555 પોઈન્ટ

તાઈવાનનો તેઈપેઈ  -538 પોઈન્ટ

કોરિયાનો કોસ્પી -78 પોઈન્ટ

ચાઈનાનો શાંઘાઈ  -74 પોઈન્ટNYSE_dow

અમેરિકાના સ્ટોક માર્કેટ પાછળ ભારતીય શેરબજાર પણ ભારે નીચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. બીએસઈ સેન્સેક્સ ગઈકાલના બંધ 34,757.16ની સામે આજે 33,753.78 ખુલ્યો હતો. ભારે વેચવાલી ફરી વળતાં સેન્સેક્સ તૂટી 33,482.81નું લેવલ બતાવ્યું હતું.

એનએસઈ નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ 10,666.55ની સામે આજે સવારે 10,295.15ના ભારે નીચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. શરૂમાં ભારે વેચવાલીથી તૂટી 10,276.30નું લેવલ બનાવ્યું હતું. તમામ સેકટરના શેરોમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં તમામ સેકટરના ઈન્ડેક્સમાં મસમોટા ગાબડા પડ્યા હતા. માર્કેટમાં આમ એકાએક ગાબડા પડી જતા દેશના શેરબજારોમાં ભારે ગભરાટ છવાઈ ગયો છે.

ભારતમાં મોંઘવારી વધવાનો ભય છે. તેમજ નાણાંપ્રધાન અરૂણ જેટલીએ બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકા લાદ્યો હતો. જે પછી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું હતું.