શેરબજારમાં 5માં દિવસે નરમાઈઃ સેન્સેક્સ વધુ 309 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ– શેરબજારમાં સતત પાંચમાં ટ્રેડિંગ સેશનમાં ઘટાડો આગળ વધ્યો હતો. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતો પાછળ શેરોના ભાવ અને ઈન્ડેક્સ આજે સપ્તાહના પ્રથમ દિવસે સવારે ભારે નીચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. ત્યાર બાદ લેવાલી અને વેચવાલી વચ્ચે નરમાઈ યથાવત રહી હતી. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકા લદાતાં શેરબજાર હાલ તો નિરાશ થયું છે. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 309.59(0.88 ટકા) ઘટી 34,757.16 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 94.05(0.87 ટકા) ઘટી 10,666.55 બંધ થયો હતો.આજે આઈટી, બેંક, મેટલ અને રીઅલ એસ્ટેટ સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે સેન્સેક્સ 35,000ની નીચે ઉતરી ગયો હતો. જો કે ટ્રેડિંગ સેશનને અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, આઈટીસી, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, મારુતિ અને પાવરગ્રીડમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જેથી શેરોના ભાવ નીચા મથાળેથી સામાન્ય સુધર્યા હતા.

બજેટ સાવ ફિક્કુ રહ્યું છે, સ્ટોક માર્કેટ અને કોર્પોરેટ સેકટર સાવ નિરાશ થયું છે. લોંગ ટર્મ કેપટિલ ગેઈન ટેક્સ 10 ટકા લદાતાં શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી ફરી વળી હતી. બજેટના દિવસથી જ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે. પણ ફાઈનાન્સ સેક્રેટરીનું કહેવું છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સને કારણે વેચવાલી આવી નથી, ગ્લોબલ માર્કેટ પાછળ શેરબજાર ઘટ્યું છે.

પહેલી ફેબ્રુઆરીએ યુએસએની ફેડરલ રીઝર્વે વ્યાજ દરમાં વધારો કર્યો નથી, પણ અમેરિકામાં બોલ્ડ યીલ્ડ વધવાના ડરથી અમેરિકાના બજારમાં ભારે ગાબડું જોવાયું હતું. શુક્રવારે ડાઉ જોન્સ 666 પોઈન્ટ તૂટ્યો હતો. જેની પાછળ આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ ગબડીને આવ્યા હતા. જેની પાછળ સેન્સેક્સ ઈન્ટ્રા-ડેમાં 546 પોઈન્ટ તૂટી ગયો હતો. જો કે પાછળથી તે રીકવર થયો હતો.

  • જાપાન સ્ટોક માર્કેટનો નિક્કી 592 પોઈન્ટ અને હોંગકોંગ સ્ટોક માર્કેટને હેંગસેંગ 356 પોઈન્ટ ગબડ્યા હતા.
  • સિંગાપોર, તાઈવાન અને કોરિયા સ્ટોક માર્કેટ પણ માઈનસ હતા.
  • બપોરે યુરોપિન સ્ટોક માર્કેટ માઈનસમાં ખુલ્યા હતા.
  • આજે બેંક, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, આઈટી, મેટલ, ટેકનોલોજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • જ્યારે ઓટોમોબાઈલ, એફએમસીજી, ફાર્મા, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો.
  • રોકડાના શેરોમાં સતત વેચવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 15.15 માઈનસ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 65.74 માઈનસ બંધ હતો.
  • ટાટા મોટર્સનો નફો 1215 કરોડ નોંધાયો હતો.
  • બોસનો નફો 30.8 ટકા વધ્યો, અને કુલ આવક 14.1 ટકા વઘી