વિદેશના સ્ટોક માર્કેટ પાછળ શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી

અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે રેકોર્ડબ્રેક તેજી આગળ વધી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ અહેવાલોને પગલે ભારતીય શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ લેવાલી આવી હતી. અને પરિણામે સેન્સેક્સ તથા નિફટી ઐતિહાસિક નવી ઊંચી સપાટી બતાવી હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 34,188.85 ઑલટાઈમ હાઈ લેવલ બતાવ્યું છે. અને નિફટીએ 10,566.10 લાઈફ ટાઈમ હાઈ લેવલ બતાવ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 184.21(0.54 ટકા) ઉછળી 34,153.85 બંધ રહ્યો હતો. અને નિફટી 54.05(0.51 ટકા) ઉછળી 10,558.85 બંધ રહ્યા હતા.અમેરિકન સ્ટોક માર્કેટમાં નવી તેજી થઈ છે. ડાઉ જોન્સ 25,000ની સપાટી કૂદાવી ગયો છે. જેને પગલે આજે સવારે જાપાન સ્ટોક માર્કેટની આગેવાની એશિયાઈ સ્ટોક માર્કેટમાં તેજી જોવાઈ હતી, અને તેની પાછળ ભારતીય શેરબજારમાં પણ નવી તેજી થઈ હતી. તેવામાં એવા સમાચાર આવ્યા હતા કે નોર્થ કોરિયા સાઉથ કોરિયા સાતે વાતચીત કરવા તૈયાર છે. ડિપ્લોમેટિક લેવલ પર બે વર્ષથી આવી શાંતિ વાતચીત થાય તેવો પ્રયત્ન ચાલી રહ્યો હતો. આમ હાલ પુરતું જીઓ પોલિટિકલ ટેન્શન ઓછુ થશે. જેને પગલે ગ્લોબલ માર્કેટમાં તેજીની આગેકૂચ જોવાઈ હતી. એફઆઈઆઈ પણ વર્ષ 2018થી નેટ બાયર રહી છે, જેની સેન્ટિમેન્ટ પર સારી અસર પડી હતી.

  • ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં ટાટા સ્ટીલ, મારુતિ, ટીસીએસ, એસબીઆઈ. આઈટીસી, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નવી લેવાલીથી મજબૂતી આવી હતી, અને પરિણામે જ ઈન્ડેક્સ નવા હાઈ થયા હતા.
  • ગુરુવારે એફઆઈઆઈએ કુલ રૂપિયા 212.05 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 324 કરોડની ખરીદી કરી હતી.
  • ડાઉ જોન્સ વધુ 152 પોઈન્ટ વધી 25,075 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 12 પોઈન્ટ વધ્યો હતો.
  • અમેરિકામાં જોબ ડેટા ધારણા મુજબ આવ્યો હતો. ખાનગી સેકટરમાં 2,50,000 જોબનું સર્જન થયું છે, જ્યારે 1,90,000 નવી જોબ ઉભી થવાનું અનુમાન હતું.
  • તમામ એશિયાઈ સ્ટોક માર્કેટમાં તેજી થઈ હતી, બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ ખુલ્યા હતા.
  • તેજી બજારમાં આજે ઓટોમોબાઈલ અને એફએમસીજી સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગથી નરમાઈ રહી હતી.
  • બેંક, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ફાર્મા, મેટલ, ઓઈલ, ગેસ, પીએસયુ અને ટેકનોલોજી સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલીથી બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 126.30 પ્લસ બંધ થયો હતો. તેમજ બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 170.18 ઊંચકાયો હતો.