પેટીએમથી મોબીક્વિકમાં મોકલી શકાશે પૈસા, ઈ વોલેટ વચ્ચે મની ટ્રાંસફર માટે RBIએ પગલું ભર્યું

નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશભરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા વિવિધ મોબાઇલ વોલેટ્સ વચ્ચે નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા માટે નવી ગાઇડ લાઇન્સ જારી કરી છે. આ ગાઇડ લાઇન્સના પગલે હવે ટૂંક સમયમાં મોબાઇલ ઇ-વોલેટ્સ જેવા પ્રીપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વચ્ચે અંદરોઅંદર મની ટ્રાન્સફર થઇ શકશે.

આરબીઆઇએ જણાવ્યું છે કે ડિજિટલ વોલેટ કંપનીઓ ઇચ્છે તો હવે સરકાર સમર્થિત પેમેન્ટ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે, જેના દ્વારા આ કંપનીઓ વચ્ચે અંદરોઅંદર પેમેન્ટ થઇ શકશે. આરબીઆઇના એક નોટિફિકેશન અનુસાર કેવાયસીનું પાલન કરનાર તમામ પ્રીપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઇ)ની ઇન્ટરઓપરેબિલિટીને ત્રણ તબક્કામાં લાગુ કરવાની હતી.

આરબીઆઇએ તમામ તબક્કા માટે ઇન્ટરઓપરેબિલિટીના શ્રેષ્ઠ અમલ માટે એક સંયુક્ત ગાઇડ લાઇન્સ જારી કરી છે. આરબીઆઇએ જણાવ્યું છે કે પીપીઆઇ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી યુપીઆઇ દ્વારા લાગુ પડશે. આ ઉપરાંત પ્રીપેઇડ કાર્ડ્સને ઓથોરાઇઝ્ડ કાર્ડ નેટવર્ક દ્વારા જોડવું પડશે.

દેશમાં લગભગ ૫૦ કંપનીઓ પાસે પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટના લાઇસન્સ છે. દેશમાં મોબી ક્વિક, ઓક્સિજન, પેટીએમ, ઇટ્સ કેશ અને ઓલા મની જેવા કેટલાક લોકપ્રિય મોબાઇલ વોલેટ છે, જેઓ હવે પારસ્પરિક રીતે મની ટ્રાન્સફર કરી શકશે. પેટીએમના સીઓઓ કિરણ વાસી રેડ્ડીએ જણાવ્યું છે કે ભારતમાં પેમેન્ટ ઇકો સિસ્ટમ માટે આ એક મોટું પગલું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]