RBIએ રજૂ કરી ધીરાણ નીતિઃ વ્યાજદરમાં કોઈ જ ફેરફાર નહીં, મોંઘવારીની ચિંતા વ્યક્ત કરાઈ

મુંબઈ- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. બજારનું અનુમાન હતું કે આરબીઆઈ વ્યાજ દરમાં પચીસ બેસીસ પોઈન્ટનો વધારો કરશે. પણ અનુમાન સાચુ ઠર્યું નથી. આરબીઆઈએ તમામ દરો યથાવત રાખ્યા છે. રેપો રેટ 6.5 ટકા, રીવર્સ રેપો રેટ 6.25 ટકા યથાવત રહ્યા છે. આથી હવે ઈએમઆઈ વધવાનો હાલ કોઈ ભય રહ્યો નથી.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઊર્જિત પટેલે સ્પષ્ટ કર્યું છે કે હવે ઝડપથી દરોમાં ઘટાડો કરવાની કોઈ સંભાવના નથી. આરબીઆઈએ ગ્રોથને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના વિચારોમાં થોડો ફેરફાર કર્યો છે. આરબીઆઈએ રજૂ કરેલ ધીરાણ નીતિના મહત્વના અંશ નીચે મુજબ છે.

  • આરબીઆઈએ ચાવી રૂપ તમામ દરો યથાવત રાખ્યા છે
  • નાણાકીય વર્ષ 2019માં જીડીપી ગ્રોથનું લક્ષ્ય 7.4 ટકા યથાવત રાખ્યું છે.
  • જુલાઈ-સપ્ટેમ્બરમાં મોંઘવારી દર 4 ટકા રહેશે તેવું અનુમાન રજૂ કર્યું છે.
  • ઓકટોબરથી માર્ચમાં મોંઘવારી દર 3.9-4.5 ટકા રહેવાની ધારણા રજૂ કરી છે
  • એપ્રિલ-જૂન, 2019માં મોંઘવારી દર 4.8 ટકાની ગણતરી મુકી છે.
  • નાણાકીય વર્ષ 2019માં નાણાકીય ખાદ્ય 3.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
  • આરબીઆઈ ગવર્નર ઊર્જિત પટેલનું કહેવું છે કે ફોરેક્સ માર્કેટની ભારે વધઘટ અને કાચા તેલની   કીમતોમાં વધારો થયો હોવાથી મોંઘવારીને લઈને ચિંતા સર્જાઈ શકે છે.
  • જો કે આરબીઆઈને નબળા રૂપિયાની કોઈ ખાસ ચિંતા નથી.
  • હાલ રૂપિયો રિયલ એક્સચેન્જ ઈફેક્ટિવ રેટમાં અંદાજે 5 ટકા નબળો છે અને તે સંપૂર્ણ રીતે માંગ અને સપ્લાય પર આધારિત છે.
  • તેમ છતાં આરબીઆઈની રૂપિયા પર નજર છે.

 

નોંધનીય છે કે, ઈન્ટ્રા-ડેમાં રુપિયો ૭૪ની સાયકોલોજિકલ સપાટી તોડીને ૭૪.૦૭એ પહોંચ્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યુ હતુ કે, મોનિટરિંગ પોલિસીની બેઠકમાં રેપો રેટની વોટિંગમાં છમાંથી પાંચ વોટ વ્યાજદર યથાવત્ રાખવા માટે પડયા હતાં જ્યારે ફક્ત એક વોટ રેપો રેટમાં વધારો કરવા માટે પડયો હતો. બીજી બાજુ રિવર્સ રેપો રેટ ૬.રપ ટકા રાખવામાં આવ્યો છે જ્યારે ફુગાવાનો લક્ષ્યાંક ચાર ટકા રાખવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૭.૪ ટકા રહેવાની આગાહી કરવામાં આવી છે.