રેટિંગ અપગ્રેડને વધાવતું શેરબજારઃ સેન્સેક્સમાં વધુ 235 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં બીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે 13 વર્ષ પછી રેટિંગ વધાર્યું છે. જેને પગલે શેરબજારમાં નવા વિશ્વાસનો સંચાર થયો હતો, અને શેરોની જાતે-જાતમાં ઑલરાઉન્ડ લેવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 235.98(0.71 ટકા) ઉછળી 33,342.80 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 68.85(0.67 ટકા) ઉછળી 10,283.60 બંધ થયો હતો.

ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનું રેટિંગ Baa3થી વધારીને Baa2 કર્યું છે. આ રેટિંગ 13 વર્ષ પછી અપગ્રેડ થયું છે. આ પહેલા મૂડીઝે 2004માં ભારતનું રેટિંગ અપગ્રેડ કર્યું હતું. પણ હવે જીએસટી સહિતના મોદી સરકારના આર્થિક સુધારાને પગલે મૂડીઝે રેટિંગ આઉટલૂકને બદલે સ્ટેબલ કર્યું છે. જે સમાચાર પાછળ શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ગેપમાં જ ખુલ્યા હતા. સવારથી તમામ શેરોમાં ભારે લેવાલી રહી હતી. જો કે આજે આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં નવી લેવાલીના અભાવે નરમાઈ હતી. પણ રેટિંગ અપગ્રેડ થતાં તેજીવાળા ખેલાડીઓ શેરબજારમાં ફરીથી નવી તેજીમાં આવી ગયા છે. જો કે આજની ટ્રેડિંગ સેશનમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. પણ ઑવરઑલ ઈન્ડેક્સ પ્લસ જ બંધ રહ્યો હતો.

  • નિફટી 50માં આવતાં 50 સ્ટોકમાંથી 28 સ્ટોક પ્લસ બંધ રહ્યા હતા., 21 સ્ટોક ઘટ્યા હતા, અને એક સ્ટોક ફેરફાર વગર બંધ થયો હતો.
  • બેંક શેરોમાં ભારે લેવાલીથી તેજી આગળ વધી હતી. બેંક નિફટી રેકોર્ડ હાઈ પર બંધ રહી હતી.
  • કેન્દ્ર સરકારે ઘર ખરીદનારને વધુ એક ભેટ આપી છે. હવે 1600 વર્ગફૂટ કાર્પેટ એરિયાવાળું ઘર ખરીદનારને સબસિડી મળશે. તેવી જ રીતે એમઆઈજી વન કેટેગરીમાં પણ ઘરનું માપ 90 વર્ગ મીટરથી વધારીને 120 વર્ગ મીટર કર્યું છે. જે સમાચાર પછી રીઅલ એસ્ટેટ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • ગુરુવારે એફઆઈઆઈએ રૂ.447 કરોડ કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું અને સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂ.847 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફના નવા શેરનું આજે શાનદાર લિસ્ટીંગ થયું હતું. કંપનીએ રૂપિયા 290ના ભાવે શેર આપ્યા હતા. શેરનો ભાવ રૂ.311 ખુલીને રૂ.307.65 થઈ સડસડાટ વધી રૂ.369 થઈ અને અંતે રૂ.344.25 બંધ રહ્યો હતો, જે રૂપિયા 54.25(18.71 ટકા)નો ઉછાળો દર્શાવે છે.