મોદી સરકારે રેલવેના કર્મચારીઓના સંતાનો માટે આપી ખાસ ભેટ…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર સરકારી કર્મચારીઓ માટે સતત એક બાદ એક મોટી ગીફ્ટ લાવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રેલવે જલ્દી જ પોતાના કર્મચારીઓના બાળકોને 33 વર્ષ સુધી મફત યાત્રાના પાસ આપશે. આ પહેલા આ આયુ સીમા 21 વર્ષની હતી જેને વધારીને 33 વર્ષ કરી દેવામાં આવી છે. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે આને લઈને આદેશ જાહેર કર્યા છે. પીયૂષ ગોયલે ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન સાથે બેઠક બાદ આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.

આને લઈને રેલ કર્મચારીઓની માંગણી ઘણા વર્ષોથી ચાલી રહી છે. કર્મચારીઓનું કહેવું હતું કે બાળકો 20 અથવા 21 વર્ષની ઉંમરમાં જ એક શહેરથી બીજા શહેરમાં અભ્યાસ અથવા નોકરી માટે સફર કરે છે. આના કારણે રેલવે કર્મચારીઓએ સરકાર પાસેથી બાળકોને આપવામાં આવતી સુવિધાની સમય મર્યાદા વધારવાની માગ કરી હતી.

રેલવેની આ વ્યવસ્થામાં કર્મચારીઓના બાળકો અને બાળકીઓ બંન્નેને આ સુવિધા આપવી જોઈએ. પરંતુ લગ્ન થયાં બાદ દીકરી આ સુવિધાનો ફાયદો નહી ઉઠાવી શકે. દીકરાઓ લગ્ન બાદ એટલે કે 33 વર્ષની ઉંમર સુધી પ્રવાસ કરી શકશે જ્યાં સુધી તે આત્મનિર્ભર ન થાય ત્યાં સુધી.