રાહુલની NYAY અંગે રઘુરામ રાજને કહ્યુંઃ આ યોજના સંભવ છે પણ…

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના રસ્તે રાજકીય પક્ષો સત્તાની શતરંજ માંડી બેઠાં છે તેમાં અવનવા દાવ સામે આવી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લઘુત્તમ આવક યોજના-NYAYની જે જાહેરાત કરી હતી તેને લઈને અર્થશાસ્ત્રીઓ અને આંકડાશાસ્ત્રીઓ કામે લાગી ગયાં છે કે શું આ સંભવ છે? ઉલ્લેખનીય છે કે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું આ યોજના તૈયાર કરવા અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માર્ગદર્શન લીધું છે. ત્યારે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પોતાનો અભિપ્રાય જાહેર કરતાં આ યોજના સંભવ હોવાનો મત આપ્યો છે.રાજને કોંગ્રેસની સૂચિત લઘુત્તમ આવક યોજના વિશે કહ્યું કે,કૃષિ ક્ષેત્રમાં સંકટ અને ગરીબીના કારણે અર્થતંત્ર ભારે દબાણમાં છે.ત્યારે આ પ્રકારની યોજના માટે રાજકોષીય અવકાશ બનાવવાની જરૂર છે  તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ આ યોજના વિશે તેમની સલાહ લીધી છે.

મતદારોને આકર્ષિત કરવા માટે રાહુલ ગાંધીએ સોમવારે દેશના 20 ટકા ગરીબો માટે વાર્ષિક 72 હજાર રૂપિયાની લઘુતમ આવકની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ માટે રૂ. 3.6 લાખ કરોડનો ખર્ચ થશે, જે ભારતના રાજકોષીય ખાધમાં બેગણો અને સંરક્ષણ બજેટથી છગણો અને કોર્પોરેટ ટેક્સમાંથી થતી આવકથી બમણો છે.

અન્ય અર્થશાસ્ત્રીઓ અને નીતિ ઘડવૈયાઓએ કોંગ્રેસની યોજનાઓની સંભવિતતા પર પ્રશ્ન કર્યો છે, જ્યારે રઘુરામ રાજન કહે છે કે આ યોજના માટે રાજકોષીય અવકાશ બનાવવાની જરૂર છે. રાજને કહ્યું કે આવી યોજનાઓ માટે એક સંભાવના તલાશવાની જરૂર છે જે ખરેખર અસરકારક છે.”

રાજને એમ પણ કહ્યું કે કોંગ્રેસ માટે આ યોજના પર તેમની સલાહ લેવાવાને રાજકીય ચશ્માંથી નિહાળવાની જરુર નથી.ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) એ એક સામાન્ય થીમ છે. આ એક ગરીબી નિવારણ યોજના છે, અને બંને સરકાર ગરીબી નાબૂદી વિશે એકમત છે.

રાજને આ યોજનાને લઈને નબળાં પાસાં પર ધ્યાન દોરતાં કહ્યું હતું કે તે જરૂરી છે કે કામ કરવાથી અળગા ન બનાવે. આ યોજનાનો પાયો ગરીબોને આજીવિકા માટે વધુ સક્ષમ બનાવવાનો છે.