2016-17માં ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન 50 ટકા વધ્યું

નવી દિલ્હી/અમદાવાદ- ભારતમાં કઠોળનું ઉત્પાદન વર્ષ 2016-17માં 2.31 કરોડ ટન રહ્યું હતું , જે વર્ષ 2015-16ના 1.63 કરોડ ટનના ઉત્પાદનની સરખામણીએ 41 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2014-15માં કઠોળનું ઉત્પાદન ભારતમાં 1.72 કરોડ ટન અને ગુજરાતમાં 5.74 લાખ ટન રહ્યું હતું. વર્ષ 2016-17માં ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન 50 ટકા જેટલું વધ્યું હતું. વર્ષ 2015-16માં રાજ્યમાં કઠોળનું ઉત્પાદન 5.43 લાખ ટન હતું, જે વર્ષ 2016-17માં 8.18 લાખ ટન સુધી પહોંચ્યું હતું. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યપ્રધાન ગજેન્દ્ર સિંઘ શેખાવતે માર્ચ 23, 2018ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.ચોમાસામાં વરસાદની અછત/ખેંચ, માવઠા/કરા અને વિપરીત તાપમાનની પરિસ્થિતિ વગેરેને કારણે દેશમાં કઠોળનું ઉત્પાદન વર્ષ 2014-15માં 1.72 કરોડ ટન અને વર્ષ 2015-16માં 1.63 કરોડ ટન રહ્યું હતું, જે અગાઉના વર્ષ 2013-14ના વિક્રમજનક ઉત્પાદન 1.93 કરોડ ટન કરતાં ઓછું હતું. જો કે, વર્ષ 2016ના સામાન્ય ચોમાસા અને સરકારે લીધેલાં વિવિધ પગલાંને કારણે વર્ષ 2016-17માં કઠોળનું ઉત્પાદન વધીને 2.31 કરોડ ટન થયું હતું.

પરિમલ નથવાણી દુષ્કાળને કારણે કઠોળના ઉત્પાદન પર થયેલી અસર, સરકાર દ્વારા કઠોળનું ઉત્પાદન વધારવા લેવાયેલાં પગલાં અને કઠોળનું ઉત્પાદન વધારવા માટે વર્ષ 2018-19માં ફાળવવામાં આવેલી રકમ અંગે જાણવા માંગતા હતા. કેન્દ્રીય કૃષિ રાજ્યકક્ષાનાપ્રધાને જણાવ્યું હતું કે સમયાંતરે કઠોળના ટેકાના ભાવોમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને કઠોળના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપી શકાય. વર્ષ 2018-19 માટે નેશનલ ફૂડ સિક્યોરીટી મિશન માટે રૂ.1700 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં એન.એફ.એસ.એસ.-પલ્સીસના હિસ્સાનો પણ સમાવેશ થાય છે.