પૂર્વ RBI ગવર્નરના નિશાને અમેરિકા, સંરક્ષણવાદી વ્યાપારિક નીતિની ટીકા

નવી દિલ્હી- વિશ્વભરના દેશો તેમના વ્યાપારને બચાવવા માટે સંરક્ષણવાદની નીતિ અપનાવી રહ્યાં છે, પરંતુ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, આ નીતિ રોજગારી બચાવવામાં મદદરૂપ નહીં થાય. જો કે, રાજને એમ પણ કહ્યું કે, સંરક્ષણવાદની નીતિ ઓટોમેશન અને આર્ટિફિશિયલ સ્કિલની રોજગાર પર થનારી નકારાત્મક અસર સામે મહદઅંશે મદદરૂપ થઈ શકે છે.

રઘુરામ રાજને સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે ‘2019 ઈસીઓએસઓસી ફોરમ ઓન ફાયનાન્સિંગ ફોર ડેવલપમેન્ટ’ ને સંબોધિત કરતા કહ્યું કે, વિકાસશીલ દેશો ગ્લોબલાઈઝેશન અને ટેકોનોલોજીથી વંચિત લોકોની લોકતાંત્રિક પ્રતિક્રિયાને નજરઅંદાજ કરવાનું જોખમ ન ઉઠાવી શકે.

રાજને વધુમાં કહ્યું કે, બીજા વિશ્વ યુદ્ધ પછી 6 દાયકા સુધી વિશ્વમાં ખૂબ જ મોટાપ્રમાણમાં સમૃદ્ધિનું માધ્યમ રહેલી ખુલ્લી ઉદાર લોકતાંત્રિક બજાર વ્યવસ્થા હાલ દબાણમાં છે. દિલચસ્પ છે કે, આ વખતે લોકતાંત્રિક બજાર વ્યવસ્થાના આલોચકોમાં કેટલાક અતિવાદી શિક્ષાવિદો કે વામ નેતા નહીં પરંતુ વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોના કેટલાક નેતાઓ છે. આ એવા દેશો છે, જેને ખુલ્લા વિશ્વ બજારથી ખૂબ જ મોટો ફાયદો થયો છે.

રઘુરામ રાજનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા સહિત વિશ્વભરના દેશો આયાત દર વધારવા પર ભાર મુકી રહ્યાં છે. અમેરિકાએ હાલમાં જ સંરક્ષણવાદી નીતિનો બચાવ અને ભારતના આયાત દરનો વિરોધ કરતા ભારત પાસેથી વ્યાપારિક સુવિધાઓ છીનવી લીધી છે. તો બીજી તરફ ચીન અને અમેરિકા વચ્ચે પણ ટ્રેડ વોરના મુખ્ય કારણમાં સંરક્ષણવાદી નીતિ જ જવાબદાર રહી છે.

શું સંરક્ષણવાદ?

સંરક્ષણવાદ એવી આર્થિક નીતિ છે જેના મારફતે દરેક દેશ બીજા દેશો માટે વ્યાપાર નિયંત્રક બને છે. જેથી અન્ય દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ લાદવામાં આવે છે. આ ઉપરાંત અન્ય રીતે પણ આયાતને હતોત્સાહિત કરવામાં આવે છે. સરકારો આ નીતિ તેમના દેશના કારોબારને પ્રોત્સાહન આપવા માટે અપનાવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]