નફારૂપી વેચવાલીથી શેરબજાર ઊંચેથી પાછુ પડ્યુ, સેન્સેક્સ 16 પોઈન્ટ પ્લસ

અમદાવાદ– શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે મિશ્ર વાતાવરણ રહ્યું હતું. એશિયાઈ સ્ટોક માર્કેટમાં નરમાઈ હતી. તો બપોર પછી યુરોપિયન સ્ટોક માર્કેટ મજબૂત હતા. આમ સવારથી ઈન્ડેક્સ બેઈઝડ શેરોમાં લેવાલી અને વેચવાલી બે તરફી કામકાજ હતા, તેમજ યુએસ ફેડની બેઠક પૂર્વે રોકાણકારોએ સાવચેતીની રૂખ અખત્યાર કરી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 16.06(0.05 ટકા) સુધરી 35,176.42 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 21.30(0.20 ટકા) ઘટી 10,718.05 બંધ થયો હતો.પહેલી મે ગુજરાત અને મહારાષ્ટ્ર ડે સહિત ત્રણ દિવસની રજા પછી આજે સવારે શેરબજાર તેજી સાથે જ ઓપન થયું હતું. શરૂમાં નવી લેવાલી આવી હતી, પણ ઊંચા મથાળે તેજીવાળા ઓપરેટરોએ નફારૂપી વેચવાલી કાઢી હતી. જેથી સેન્સેક્સ ઊંચા લેવલથી 280થી વધુ પોઈન્ટ પાછો પડ્યો હતો. નિફટી પણ 95 પોઈન્ટ તૂટ્યો હતો. આમ શેરબજારમાં ઊંચા મથાળા પર સાવેચતી જોવાઈ રહી છે. તેમ છતાં સેન્સેક્સ પ્લસમાં બંધ રહ્યો અને નિફટી માઈનસમાં બંધ રહ્યો હતો.

  • એકતરફી ટ્રેડિંગ પછી માર્કેટ હાઈલી ઓવરબોટ હતું, જેથી ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
  • એપ્રિલમાં ઓટોમોબાઈલ કંપનીઓના વેચાણમાં વધારો થયો છે.
  • બેંક શેરોમાં સામાન્ય લેવાલી ચાલુ રહી હતી. જેથી બેંક નિફટી પ્લસ બંધ હતી.
  • તે સિવાય આજે મેટલ, ઓટો, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, પીએસયુ અને ટેકનોલોજી સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી, અને ભાવ પણ ઝડપી તૂટ્યા હતા.
  • રોકડાના શેરોમાં ભારે વેચવાલી છૂટી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 198.43 ગગડ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 212.11 ઘટ્યો હતો.
  • બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. તેમ છતાં શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું ન હતું.