શેરબજારમાં નરમાઈઃ સેન્સેક્સ 162 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં આજે નરમાઈ આગળ વધી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ અહેવાલો પાછળ અને જીડીપીનો ડેટા જાહેર થાય તે પહેલા રોકાણકારો અને ઓપરેટરોએ સાવચેતીનો મુડ અપનાવ્યો હતો. જેથી તેજીવાળા અને એફઆઈઆઈ દરેક ઊંચા મથાળે વેચવાલ હતા. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 162.35(0.47 ટકા) ઘટી 34,184.04 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 61.45(0.58 ટકા) ઘટી 10,492.85 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ આજે સવારે ભારતીય શેરોના ભાવ પણ નીચા જ ખુલ્યા હતા. ત્યાર પછી સામાન્ય લેવાલીથી થોડા સુધર્યા હતા. પણ એફઆઈઆઈ અને તેજીવાળા ખેલાડીઓની દરેક ઊંચા મથાળે વેચવાલી ફરી વળતાં શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઘટ્યા હતા. આજે સાંજે જીડીપી ગ્રોથનો ડેટા જાહેર થવાનો છે, જેને પગલે શેરબજારમાં સાવચેતીનો મુડ હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા. પરિણામે માર્કેટનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.

 • મંગળવારે એફઆઈઆઈએ રુ.906 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.1046 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
 • સરકાર આજે જીડીપી ગ્રોથનો ડેટા જાહેર કરનાર છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા કવાર્ટરનો જીડીપી આવશે. બીજા કવાર્ટરમાં જીડીપી 6.3 ટકા હતો, અને પ્રથમ કવાર્ટરમાં 5.7 ટકા હતો.
 • સપ્તાહના બીજા દિવસે ડૉલર સામે રુપિયો 25 પૈસા ઘટીને 65.12 ખુલ્યો હતો.
 • મંગળવારે રાત્રે અમેરિકાની ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પૉવેલે વ્યાજ દરમાં વધારો કરવાનો સંકેત આપ્યો હતો. જેથી અમેરિકી સ્ટોક માર્કેટ ઘટ્યું હતું.
 • ડાયમંડ કિંગ નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ ઈંકએ અમેરિકામાં ડિફોલ્ટર થવા માટે અરજી કરી છે. જે સમાચાર પછી પીએનબી ગ્રુપના શેરોમાં નવો કડાકો બોલી ગયો હતો.
 • દિલીપ બિલ્ડકોનને આંધ્ર પ્રદેશની એનએચએઆઈનો મોટો ઓર્ડર મળવાની સંભાવના છે.
 • ડિશ ટીવીનો વીડિયોકોન ડી2એચ પુરો હિસ્સો ખરીદવાની યોજના છે. ડિશ ટીવી વીડિયોકોનનો 28 ટકા હિસ્સો લઈ શકે છે.
 • આજે નરમ બજારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં ટેકારૂપી લેવાલીથી મજબૂતી રહી હતી.
 • રોકડાના શેરોમાં લેવાલી અને વેચવાલી એમ બે તરફી કામકાજ હતા. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 38.46 માઈનસ હતો.
 • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 37.80 પ્લસ બંધ હતો.
 • ઓટોમોબાઈલ કંપનીઓના ફેબ્રુઆરીમાં વેચાણના આંકડા પ્રોત્સાહક આવવાનો આશાવાદ છે