32 વર્ષથી ચાલી રહેલ ઓલ ઈન્ડિયા રેડિયોની રાષ્ટ્રીય ચેનલ બંધ!!

નવી દિલ્હી-  સરકારી પ્રસારણકર્તા પ્રસાર ભારતીએ ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) ની રાષ્ટ્રીય ચેનલના 31 વર્ષના સફર પર બ્રેક લગાવી દેવાનો નિર્ણય કર્યો છે. ખર્ચમાં કાપ મુકવાના હેતુથી રાષ્ટ્રીય ચેનલ બંધ કરવાની સાથે લખનઉ સહિત પાંચ શહેરોમાં પ્રાદેશિક તાલીમ એકેડમીને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

ઓલ ઈન્ડિયા રેડિયોના મહાનિર્દેશક તરફથી ગુરુવારે આદેશ જારી કરતા કહેવામાં આવ્યું હતું કે, પ્રસાર ભારતી તરફથી 24 ડિસેમ્બર 2018ના રોજ મોકલેલા એક પત્ર અનુસાર રાષ્ટ્રીય ચેનલ ઉપરાંત લખનઉ, અમદાવાદ, હૈદરાબાદ, શિલાંગ અને તિરુવનંતપુરમની પ્રાદેશિક તાલીમ એકેડમી (RABM) ને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર)ના મહાનિદેશકે એક આદેશમાં કહ્યું કે ટોડાપુર અને નાગપુર વગેરેમાં રાષ્ટ્રીય ચેનલમાં કામ કરી રહેલા કર્મચારીઓ સિવાય આરએબીએમમાં કામ કરનારા કર્મચારીની ભરતી સંગઠનની જરૂરિયાત મુજબ કરી શકાય છે. જોકે, એઆઈઆરનો એક વર્ગ આ નિર્ણયથી નારાજ છે. તેમનું માનવું છે કે રાષ્ટ્રીય ચેનલ પ્રસારણનો મહત્વનો ભાગ છે અને તેને એક સાથે બંધ કરવાના બદલે ખર્ચમાં કાપના અન્ય વિકલ્પો શોધવાની જરૂર હતી.

મહત્વનું છે કે, પ્રસારિત થતી રાષ્ટ્રીય ચેનલ 1987માં શરૂ થઈ હતી. રાષ્ટ્રીય મુદ્દાઓથી લોકોને પરિચિત કરાવવામાં આ ચેનલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાતે ચાલતી આ ચેનલમાં હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં અનેક પ્રકારના કાર્યક્રમો પ્રસારિત થતા હતા. તેનો આશય ફેક્ટરી મજૂરો, ખેડૂતો, સૈનિકો, ડ્રાઈવરો અને વિદ્યાર્થીઓ જેવા વિવિધ રસવાળા શ્રોતાઓ માટે કાર્યક્રમ પ્રસારિત કરવાનો હતો. તેમાં મુશાયરા સિવાય શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ સૌથી વધુ લોકપ્રિય રહ્યો. આ ચેનલના કાર્યક્રમોની પહોંચ 76 ટકા વસતી અને 64 ટકા વિસ્તાર સુધી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં રેડિયો પ્રસારણનો પહેલો કાર્યક્રમ 1923માં રેડિયો ક્લબ ઓફ મુંબઈ દ્વારા કરાયો હતો. ત્યાર બાદ 1927માં પ્રસારણ સેવાની રચના થઈ. 1936 માં તેને ઓલ ઈન્ડિયા રેડિયોનું નામ અપાયું. આજે તેના 200થી વધુ કેન્દ્ર છે. ઓલ ઈન્ડિયા રેડિયો તેની પ્રાથમિક ચેનલ સાથે જાહેરાત પ્રસારણ સેવા વિવિધ ભારતી, એફએમ ચેનલ અને વિદેશ પ્રસારણ ચેનલ પણ ચલાવે છે.

32 વર્ષ સુધી ચાલેલા ઓલ ઈન્ડિયા રેડિયોની રાષ્ટ્ર્રીય ચેનલ પાસે કાર્યક્રમોનો સમૃદ્ધ ખજાનો છે. તેમાં અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક હસ્તીઓના ઈન્ટર્વ્યૂ, ભારતરત્ન પંડિત ભીમસેન જોશી, પં. કુમાર ગંધર્વ, મલ્લિકાર્જુન મન્સૂર, એન. રાજમ જેવા શાસ્ત્રીય સંગીતજ્ઞોના રેકોર્ડિગ્સ છે. પ્રસાર ભારતીએ 3જીએ આદેશ કરી રાષ્ટ્રીય ચેનલોના અનેક વર્ષોના કાર્યક્રમોને ડિજિટલાઈઝ કરી મોકલવા કહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]