IRCTC: ટ્રેનોમાં માણી શકશો 3Dની મજા, રેલવે મંત્રાલયે શરુ કરી તૈયારી

નવી દિલ્હી:  શું રેલવે મુસાફરો સ્ટેશનો અને ટ્રેનોને 3D ટેક્નોલોજી મારફતે એક અલગ જ રૂપમાં જોઈ શકશે? જો તમારો જવાબ ‘ના’ હોય તો એ તમારી ભૂલ છે, કારણ કે, કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલ ટૂંક સમયમાં જ ભારતીય રેલવે મુસાફરોને એક ભેટ આપવા જઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર પીયૂષ ગોયલે ટેલીકોમ કંપની પીએસયુને આ ટેક્નોલોજી અંગે રીસર્ચ કરવા કહ્યું છે. જેમાં વેઈટિંગ રૂમમાં ડિજિટલ સામગ્રી અને કેટલીક સિલેક્ટેડ ટ્રેનોમાં પણ 3D ચશ્માં અથવા તો વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસ લગાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ભારતીય રેલવે હાલમા રેલવે સ્ટેશનો અને ટ્રેનોની સ્થિતિ સુધારવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે. ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર મુસાફરોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રેલવે મંત્રાલય ખૂબ જ ઝડપી કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ પીયૂષ ગોયલે જાહેરાત કરી હતી કે, જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ત્રણ રેલવે પરિયોજનાઓના ભાગ રૂપે રેલવે સ્ટેશનો પર 5000થી વધુ સ્ટેનલેસ સ્ટીલ બેંચ માટે ભંડોળ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.

એક રિપોર્ટ અનુસાર આ સ્ટેનલેસ સ્ટીલ બેંચ સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે ઝોનના 250 રેલવે સ્ટેશનો પર લગાવવામાં આવશે. રેલવે પ્રધાન પીયુષ ગોયલના હવાલેથી આવેલા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોલ ઈન્ડિયા લિમિટેડ અને તેમની સહયોગી કંપનીઓ સીએસઆરના સમર્થન દ્વારા રેલવે સ્ટેશનો પર 2400થી વધુ શૌચાલય બનાવાશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, રેલવે સ્ટેશનો પર શૌચાલયો ઉપરાંત ઓછી ખર્ચ વાળા સેનેટરી પેડ ડિસ્પેન્સર, કોન્ડોમ વેન્ડિંગ મશીન પણ લગાવાશે.