પેટ્રોલ-ડીઝલને GSTમાં લવાય તો પણ કીમતો ઘટશે નહીં, કેમ કે…

નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવાની ચારેકોરની માગણી વચ્ચે સરકારે સંકેત આપ્યો છે કે જો સહમતી બને તો તેમ કરવામાં આવશે. જોકે જીએસટી હેઠળ લાવ્યાં બાદ પણ તેની કીમતોમાં મોટો ઘટાડો થવાની આશા પર પાણી ફેરવવામાં આવ્યું છે.

પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સર્વાધિક 28 ટકાના સ્લેબમાં રાખવામાં આવશે અને તેમાં રાજ્ય સરકારો પણ લોકલ સેલ્સ ટેક્સ અથવા વેટ પણ લગાવી શકશે. 28 ટકા જીએસટી અને વેટ મળીને થતો ટેક્સ હાલની પેટ્રોલ ડીઝલની કીમતોની બરાબર થઇ રહેશે. હાલમાં કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટી અને રાજ્ય સરકાર વેટ વસૂલ કરે છે.

સરકારે એ પણ નક્કી કરવું પડશે કે હાલમાં મળી રહેલી 20,000 હજાર કરોડ રુપિયાના ઇનપુટ ટેક્સ ક્રેડિટ છોડવા તૈયાર છે કે કેમ. ટેકસ નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે વિશ્વમાં ક્યાંય પણ પેટ્રોલ ડીઝલ પર શુદ્ધરુપે જીએસટી લાગુ નથી એટલે ભારતમાં પણ જીએસટી અને વેટનું મિશ્રણ જ રહેશે. ઇંધણને જીએસટીમાં ક્યારે લાવવું તે રાજનીતિક સ્તરે નક્કી થશે પરંતુ તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સહમતીથી નિર્ણય લેશે.

હાલમાં  સૌથી વધુ દરથી પેટ્રોલ ડીઝલ પર કરવસૂલી કરવામાં આ રહી છે. જો તેમાં ફક્ત 28 ટકા જીએસટી જ લાગુ પાડવામાં આ છે તો કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં ઘટાડો નોંધાશે તે ચોક્કસ છે. આ કમી પૂરી કરવા માટે નાણાં ન હોવાથી જીએસટી ઉપરાંત રાજ્યના કર પણ વસૂલવા અનુમતિ આપવામાં આવી શકે છે.