અહીં સસ્તું મળતાં કેરબેકેરબા ભરી લોકો લઈ રહ્યાં છે પેટ્રોલ, જાણો કેમ..

નવી દિલ્હી-  સતત વધી રહેલી પેટ્રોલ ડીઝલની કીમતોને પગલે મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર 90 રૂપિયાને પાર પહોંચ્યું છે. તો બીજીતરફ દિલ્હીમાં પણ પેટ્રોલ પ્રતિ લીટર 82 રૂપિયાના સ્તરને પાર કરી ચૂક્યું છે. પરંતુ બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં લોકો પેટ્રોલ માત્ર 69 રુપિયા પ્રતિ લીટરના ભાવે પોતાની ગાડીઓમાં ભરાવી રહ્યાં છે. અહીં આટલું સસ્તું પેટ્રોલ મળતું હોવાથી લોકો ગાડીઓમાં ભરાવવાની સાથે સાથે ગેલનમાં ભરીને પેટ્રોલનો સ્ટોક પણ કરી રહ્યાં છે.

બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો પડોશી દેશ નેપાળની એકદમ નજીક છે કે, જ્યાં ચાલીને નેપાળમાં અવર જવર કરી શકાય છે. આ કારણે આ વિસ્તારના લોકોએ ભારતમાંથી પેટ્રોલની ખરીદીને બદલે નેપાળનો રસ્તો પકડ્યો છે. નેપાળ જવા માટે કોઈ પાસપોર્ટ કે વિઝાની  જરૂર નથી પડતી. આ ઉપરાંત બિહાર અને યુપીની નજીકમાં આવેલી નેપાળ બોર્ડર પર કોઈ કડ્ક સુરક્ષા બંદોબસ્ત ન હોવાથી આ લોકો સરળતાથી પેટ્રોલની હેરાફેરી કરી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બિહારના રક્સોલ સાથે જોડાયેલા ગ્રામીણ વિસ્તારોમાંથી પેટ્રોલ અને ડીઝલની દાણચોરી થઈ રહી છે. આ કારણે જ નેપાળ તરફથી પેટ્રોલની માગ વધી ગઈ  છે. મહત્વની વાત એ છે કે, નેપાળને ભારતમાંથી પેટ્રોલિયમ પેદાશોની સપ્લાઈ કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરહદી વિસ્તારોના સહદેવા, મહદેવા, અહિરવા તોલા, પન્ટોકા, સિસવા, માતિરવા, મહુવા, કૌરેયા વગેરેના ગ્રામીણ વિસ્તારોમાંથી ડીઝલ અને પેટ્રોલની દાણચોરી કરવામાં આવી રહી છે.

આ દાણચોરી સાઈકલ,પગપાળા, બાઈક અને અન્ય રીતે પેટ્રોલિયમ પેદાશોની દાણચોરી કરવામાં આવી રહી છે. કેટલાક બાઈક અને ગાડી ચાલકો નેપાળમાં જઈને પેટ્રોલની ટાંકી ફુલ કરાવ્યા બાદ તેને ભારતમાં લાવીને વેચાણ કરી રહ્યાં છે. કિંમતોમાં મોટું અંતર હોવાના કારણે દાણચોરો દ્વારા હાલ પ્રતિ દિવસ હજારો લીટર પેટ્રોલ ડીઝલની દાણચોરી નેપાળમાંથી કરવામાં આવી રહી છે.

નેપાળની સાથે અસામથી જોડાયેલી ભૂટાન બોર્ડર પર પણ સસ્તા પેટ્રોલને લઈને હલચલ મચી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અહીં લોકો બોર્ડર પર જઈને ગાડીઓની ટાંકી ફુલ ભરાવવાની સાથે ગેલનમાં પણ પેટ્રોલ ભરીને ભારતમાં લાવી રહ્યાં છે. અહીં પેટ્રોલની કિંમત અંદાજે પ્રતિ લીટર 60 રૂપિયાની આસપાસ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]