અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહી થાય, વાંચો વધુ વિગતો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે અત્યારે પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં કોઈ જ ઘટાડો થવાની શક્યતાઓ નથી. કેન્દ્ર સરકારે પોતાની નાણાકિય જરુરિયાતોને ધ્યાનમાં રાખીને હાથ અધ્ધર કરી દીધા છે. જો કે આ મામલે રાજ્ય સરકાર દ્વારા રાહત પ્રાપ્ત થઈ શકે છે. રાજસ્થાન સરકારે વેટમાં ઘટાડો કરીને આ દીશામાં પગલા ભરવાનું શરુ કરી દીધું છે. રાજસ્થાન સરકાર દ્વારા પેટ્રોલ પરના વેટમાં ઘટાડો કરાયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ રાજસ્થાનમાં ઘટ્યા હતા. તો પેટ્રોલ અને ડીઝલની કીંમતો સોમવારે ઓલટાઈમ હાઈ પર પહોંચી હતી.

રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ પેટ્રોલ પર વેટ 30 ટકાથી ઘટાડીને 26 ટકા કરી દીધો હતો તો ડીઝલ પર વેટ 22 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાજસ્થાન સરકારના આ નિર્ણયને લઈને રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ 2.50 રુપિયા જેટલું સસ્તુ થયું છે. માનવામાં આવી રહ્યું છે અન્ય રાજ્યો પણ આ જ પ્રકારનો નિર્ણય લઈ શકે છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ફ્યૂઅલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો નહી થાય. અધિકારીક સુત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના વર્તુળમાં લાવવાથી પેટ્રોલની કીંમતોની સમસ્યા દૂર નહી થાય. તેમણે જણાવ્યું કે ઓઈલની કીંમતોમાં વધારાનો વોજ ઓઈલ રિટેલર કંપનીઓ પર પણ ન નાંખી શકાય આમ કરવાથી તેમની સ્થિતી વધારે ખરાબ થઈ શકે. સુત્રોનું માનીએ તો અમેરિકી નીતિઓ, ક્રૂડ ઓઈલ, ટ્રેડ વોર વગેરે જેવા ગ્લોબલ ફેક્ટર્સથી રુપિયો કમજોર બની રહ્યો છે જેની સીધી અસર પેટ્રોલ- ડીઝલ પર પડી રહી છે. જો કે ડોલરને બાદ કરતા અન્ય ગ્લોબલ કરંસીઝની તુલનામાં રુપિયો હજી પણ મજબૂત સ્થિતીમાં છે.