ઓય રે! હવે ઓએનજીસી પર ય તોળાઇ રહયું છે રોકડનું સંકટ…

નવી દિલ્હીઃ મહારત્ન કંપનીઓમાં પ્રથમ એવી ઓએનજીસી (ઓઇલ એન્ડ નેચરલ ગેસ) હાલમાં રોકડની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. છેલ્લાં ચાર વર્ષમાં કંપનીની રોકડ અનામતમાં રૂપિયા 9000 કરોડથી વધારેનો ઘટાડો થયો છે. કંપનીના અન્ય બેંક બેલેન્સમાં પણ ઘટાડો નોંધાયો છે.

આ કંપની દેશમાં 60 ટકાથી વધુ કાચા તેલનું ઉત્પાદન કરે છે, આંકડા અનુસાર 31 માર્ચ, 2019ને અંતે પૂરા થયેલ નાણાકીય વર્ષમાં કંપની પાસે માત્ર 504 કરોડ રૂપિયાની રોકડ અનામત અને બેલેન્સ રહ્યું છે. માર્ચ 2018માં તે ઘટીને 1013 કરોડ પર પહોંચી ગયું છે.

આંકડા અનુસાર માર્ચ 2017માં ઓએનજીસીની રોકડ અને બેલેન્સ અનામત રૂપિયા 9,511 કરોડ હતી. તેની પહેલાં એટલે કે માર્ચ 2019માં આ આંકડો 9957 કરોડ હતો. એટલે કે ચાર વર્ષમાં રોકડ અનામતમાં 9007 કરોડનો ઘટાડો થયો છે. આ ઘટાડો ઓઈલ માર્કેટિંગ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ) અને ગુજરાત સ્થિત જીએસપીસીની હિસ્સેદારીમાં સામેલ બે સોદાને કારણે થયો છે.

આ બે સોદાથી ઓએનજીસીમાં રોકડ અનામતના ભંડારને નુકશાન થયું છે. જો કે સરકાર તરફથી કહેવાયું છે કે ઓએનજીસી પાસે બેંક ક્રેડિટ્સ અને કેપિટલ માર્કેટ્સ દ્વારા પ્રાપ્ત રોકડ ભંડાર છે. છેલ્લાં છ વર્ષમાં આંકડાથી જાણવા મળે છે કે માર્ચ 2014ને અંતે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ઓએનજીસીના ઉત્ખનન કુવા પર ખર્ચ અંદાજે રૂપિયા 11,687 કરોડથી ઘટીને રૂપિયા 6016 કરોડ થયો છે. આટલા વર્ષોમાં તે ઘટીને અંદાજે 50 ટકા છે. આ ઘટાડો સ્થાનિક ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં આવેલ ઘટાડાને કારણે થયો છે.

આંકડાથી જાણવા મળે છે નાણાકીય વર્ષ 2011-12માં ક્રૂડ ઓઈલનું પ્રોડક્શન 38.09 મિલિયન મેટ્રિક ટન હતું. જે નાણાકીય વર્ષ 2017-18માં ઘટીને 35.68 મિલિયન મેટ્રિક ટન રહી ગયું છે. જો કે ઓએનજીસી દ્વારા કૂવાના વિકાસ પર કરેલ ખર્ચ વીતેલા છ વર્ષોમાં સ્થિર રહ્યો છે.

કંપનીના ઈન્વેસ્ટમેન્ટ હેડમાં પણ આંશિક ફેરફાર જોવા મળે છે. વર્ષ 2017-18માં માર્જિનલ સ્લિપ(નોન-કરંટ ઈન્વેસ્ટમેન્ટ) 84,882 કરોડ રૂપિયા હતા, જે 2018-19માં 85,312 કરોડ રૂપિયા થયા હતા.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]