ઓલા શરુ કરશે ‘સેલ્ફ-ડ્રાઇવ’ સર્વિસ, 50 કરોડ ડોલરનું રોકાણ

નવી દિલ્હી: દેશમાં ટેક્સી સર્વિસ પુરી પાડતી ઓલા (OLA) ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સ પોર્ટફોલિયો વિસ્તૃત બનાવવાની યોજના ધરાવે છે. ઓલા દેશમાં  ‘સેલ્ફ ડ્રાઇવ’ સર્વિસ શરૂ કરવા 50 કરોડ ડોલરનું રોકાણ કરશે. મળતી માહિતી મુજબ, કંપનીને ડેટ અને ઇક્વિટીના મિશ્રણ દ્વારા આ ભંડોળ મળશે. જેનો ઉપયોગ લક્ઝરી સેડાન્સ, એસયુવી સહિત લગભગ 10,000 વાહનો ખરીદવા માટે કરવામાં આવશે.

ઓલાના પ્રતિનિધીએ ‘સેલ્ફ-ડ્રાઇવ’ સર્વિસ શરૂ કરવાની વાતને સમર્થન આપતા કહ્યું કે, “બજારની ફીડબેકના આધારે અમે પસંદગીના શહેરોમાં રેન્ટલ, સબસ્ક્રિપ્શન અને કોર્પોરેટ લીઝિંગ સહિતના વિવિધ ફોર્મેટ્સમાં પાઇલટ પ્રોજેક્ટ્સ શરૂ કરીશું.” ઓલાએ અત્યાર સુધી વિશ્વના મોટા રોકાણકારો પાસેથી મળેલી ઇક્વિટી મૂડી પર આધાર રાખ્યો છે. જેમાં જાપાનની સોફ્ટબેન્ક અને અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટાઇગર ગ્લોબલનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરીમાં યોજાયેલા ફન્ડિંગ રાઉન્ડમાં ઓલાનું વેલ્યુએશન લગભગ છ અબજ ડોલર થયું હતું. કંપનીએ અત્યાર સુધીમાં કુલ 3.67 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે.

માહિતી મુજબ, “ઓલા બિઝનેસને જરૂરી ભંડોળ પૂરું પાડવા ઓલા ફ્લીટ કંપની દ્વારા ઋણ એકત્ર કરશે.”  ઉલ્લેખનીય છે કે, ઓલા સહિતના સ્ટાર્ટ-અપ્સે વિદેશી રોકાણકારો પાસેથી મોટા પ્રમાણમાં ભંડોળ એકત્ર કર્યું છે. ઓલાએ ચાલુ મહિને હ્યુંડાઈ મોટર્સ અને કિયા મોટર્સ પાસેથી 30 કરોડ ડોલર એકત્ર કર્યા હોવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઓલાની સ્પર્ધા અમેરિકન કેબ કંપની ઉબર સાથે છે. કંપનીના ટોચના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “સેલ્ફ-ડ્રાઇવ કાર રેન્ટલ સર્વિસ આગામી કેટલાક સપ્તાહમાં લોન્ચ કરવામાં આવશે. તે 5-7 ટોચના બજારો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

‘સેલ્ફ-ડ્રાઇવ’ સર્વિસ વ્યવસાય સાથે, ઓલા કોર્પોરેટ ઓફરિંગ દ્વારા ગ્રાહકો માટે સબ્સ્ક્રિપ્શન પ્રોડક્ટ્સ બનાવવા અને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ માટે લીઝિંગ સેવાઓનું નિર્માણ કરવાનો ઇરાદો ધરાવે છે. સેલ્ફ-ડ્રાઇવ ભાડાની શ્રેણીમાં પ્રવેશવાની સાથે ઓલાની સ્થાયીતા અને હકારાત્મક એકમ અર્થશાસ્ત્રને ધ્યાનમાં રાખીને દૃષ્ટિએ સ્કૂટર અને ઇલેક્ટ્રિક વાહનો શામેલ કરવા માટે ફક્ત કેબ ઉપરાંત પરિવહન ઉકેલોના તેના કલગીને વિસ્તૃત કરવાની વિસ્તૃત વ્યૂહરચના છે. છેલ્લા થોડા વર્ષોમાં, કંપનીએ ઘણાં વ્યવસાયોને લોન્ચ કર્યા છે જે આઉટસ્ટેશન ભાડા જેવા ઊંચા માર્જિન ઉત્પન્ન કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]